World Athletics Championships: હંગેરીમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં ભારતની પારુલ ચૌધરી મહિલાઓની 3000 મીટર સ્ટીપલચેઝમાં 11મા સ્થાને રહી હતી. તેણે તેમાં 9:15.31ના સમય સાથે નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો. આ સાથે પારુલે રાષ્ટ્રીય રેકોર્ડ હાંસલ કરીને પેરિસ ઓલિમ્પિક 2024 માટે ક્વોલિફાય કર્યું છે.
સ્ટીપલચેઝમાં બ્રુનેઈની એથ્લેટ વિનફ્રેડ મુટીલે યાવીએ 8:54.29ના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. કેન્યાની બીટ્રાઇસ ચેપકોચે સીઝનના સર્વશ્રેષ્ઠ 8:58.98 સાથે સિલ્વર મેડલ જીત્યો અને કેન્યાની ફેથ ચેરોટિચે 9:00.69ના વ્યક્તિગત શ્રેષ્ઠ સમય સાથે બ્રોન્ઝ મેળવ્યો હતો.
પારુલ ચૌધરી 200 મીટર સ્પ્લિટમાં સ્ટીપલચેઝમાં આગળ રહી હતી પરંતુ તેણે લય ગુમાવી દીધી હતી અને 11મું સ્થાન મેળવ્યું હતું. જો કે, 2900 મીટરના સ્પ્લિટ સુધી ભારતીય એથ્લેટ 13મા સ્થાન સુધી હતી પરંતુ છેલ્લા 100 મીટરના સ્પ્લિટમાં બે સ્થાનની છલાંગ લગાવીને તે 11મું સ્થાન મેળવવામાં સફળ રહી હતી.
મેરઠની પારુલ ચૌધરીએ 9:15.31ના સમય સાથે નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે તેણે ઓલિમ્પિક 2024માં પોતાનું સ્થાન પણ નિશ્ચિત કરી દીધું છે. આ પછી પારુલના પરિવારજનોમાં ખુશીની લહેર છે. તે કહે છે કે અત્યાર સુધી આ રેકોર્ડ લલિતા બબ્બરના નામે હતો, જેને પારુલે તોડી નાખ્યો છે. તેમને ગર્વ છે કે પારુલે આ રેકોર્ડ બનાવ્યો છે અને ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઈ છે.
પારુલના પિતા કૃષ્ણપાલ તેમની પુત્રીની સફળતાથી ખુશ છે. તેમના સ્વજનોએ એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી. પરિવારજનોએ કહ્યું હતું કે પારુલે બાળપણનો સમય ઘણી મુશ્કેલીમાં વિતાવ્યો હતો અને ગામની બહાર ચાલતી જતી હતી અને બસમાં બેસીને મેરઠના કૈલાશ પ્રકાશ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરતી હતી.