World Athletics Championships:  ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપરાએ ઈતિહાસ રચી દીધો છે. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર તે પ્રથમ ભારતીય એથ્લેટ બની ગયો છે. નીરજે હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં નેશનલ એથ્લેટિક્સ સેન્ટર ખાતે જેવલિન થ્રો ઈવેન્ટમાં 88.17 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.  નીરજે બીજા રાઉન્ડમાં જ 88.17 મીટરનો થ્રો કર્યો હતો. ત્યારથી તેણે પોઈન્ટ ટેબલમાં લીડ જાળવી રાખી હતી અને આ લીડ અંત સુધી જાળવી રાખી હતી.










વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પ્રથમ ગોલ્ડ મેડલ


ઓલિમ્પિક, એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ અને ડાયમંડ લીગમાં ચેમ્પિયન બનેલા આ ખેલાડીએ આ ટુર્નામેન્ટ પહેલા માત્ર વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો ન હતો, પરંતુ હવે તેણે આ ઇવેન્ટમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો છે. નીરજના છ પ્રયાસો 88.17મીટર, 86.32 મીટર , 84.64 મીટર , 87.73 મીટર અને 83.98 મીટર હતા.  એક પ્રયાસને ફાઉલ જાહેર કરાયો હતો.


પાકિસ્તાનના અરશદ નદીમે 87.82 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. ચેક રિપબ્લિકના જાકુબ વેડલેચે 86.67 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ફાઇનલમાં નીરજની સાથે અન્ય બે ભારતીય ખેલાડીઓ ડીપી મનુ અને કિશોર જેના પણ હતા. કિશોર 84.77 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે પાંચમા સ્થાને જ્યારે ડીપી મનુ 84.14 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે છઠ્ઠા સ્થાને રહ્યો હતો.






જોકે, 4x400 મીટર રિલે રેસમાં ભારતીય ખેલાડીઓએ નિરાશ કર્યા હતા. ભારત 4x400 મીટર રિલે રેસમાં પાંચમા ક્રમે રહ્યું હતું. આ કેટેગરીમાં અમેરિકાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ફ્રાન્સે સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે ગ્રેટ બ્રિટન બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યું હતું.


નીરજે પેરિસ ઓલિમ્પિક 2024 માટે પણ ક્વોલિફાય કર્યું છે. પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી રમાશે. નીરજ ઉપરાંત ભારતના ડીપી મનુ અને કિશોર જેના પણ જેવલિન થ્રોની ફાઇનલમાં રમ્યા હતા પરંતુ કિશોર પાંચમા અને મનુ છઠ્ઠા સ્થાને રહ્યા હતા.