Jeremy Lalrinnung Wins Gold Medal Weightlifter Commonwealth Games 2022: ભારતને બર્મિંગહામમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં જેરેમી લાલરિનુંગાએ ભારત માટે બીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો. જેરેમીએ વેઈટલિફ્ટિંગની 67 કિગ્રા વર્ગમાં શાનદાર પ્રદર્શન કરીને આ સફળતા મેળવી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક હસ્તીઓએ જેરેમીને અભિનંદન અને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા દ્વારા ઘણા લોકો જેરેમીને અભિનંદન આપી રહ્યા છે. જેરેમી પહેલા મીરાબાઈ ચાનુએ વેઈટલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.


વડાપ્રધાન મોદીએ ટ્વિટર દ્વારા જેરેમીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટ્વીટ કર્યું, “આપણી યુવા શક્તિ ઇતિહાસ રચી રહી છે! જેરેમીને તેનો પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ  જીતવા તેમજ અભૂતપૂર્વ રેકોર્ડ બનાવવા બદલ અભિનંદન. તેમણે નાની ઉંમરે અપાર કીર્તિ હાંસલ કરી છે. તેમના ભવિષ્યના પ્રયાસો માટે તેમને શુભેચ્છાઓ.



ભારતના યુવા વેટલિફ્ટર જેરેમી લાલરિનુંગાએ કોમનવેલ્થમાં 67 કિલો વર્ગમાં આ ગોલ્ડ કબજે કર્યો છે. તેણે સ્નેચમાં સૌથી વધુ 140 કિલોગ્રામ વજન ઉઠાવ્યો હતો, જ્યારે ક્લીન એન્ડ જર્કમાં 160 કિલોગ્રામ વજન ઉઠાવી ઈતિહાસ રચી દીધો. તેણે ગેમ રેકોર્ડ કુલ 300 કિલોગ્રામ વજન ઉઠાવ્યો. આ રીતે વેઇટલિફ્ટિંગમાં ભારતને બીજો ગોલ્ડ અને કુલ પાંચમો મેડલ મળ્યો છે. આ પહેલા શનિવારે મીરાબાઈ ચાનૂએ 49 કિલોવર્ગમાં ગોલ્ડ જીત્યો હતો. 


યૂથ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી ચુકેલ જેરેમી પ્રથમવાર કોમનવેલ્થ ગેમ્સમાં ઉતર્યો અને તેણે પહેલી બાજીમાં ઈતિહાસ રચી દીધો. તેણે સ્નેચમાં પ્રથમ અટેમ્પ્ટમાં 136 કિલો ઉઠાવ્યો, જ્યારે બીજા પ્રયાસમાં 140 કિલો વજન ઉઠાવી રેકોર્ડ બનાવ્યો હતો. આ તેનો ગેમ રેકોર્ડ રહ્યો, જ્યારે ત્રીજા પ્રયાસમાં તે 143 કિલોગ્રામ ઉઠાવવામાં નિષ્ફળ રહ્યો. 


જેરેમી લાલરિનુંગાએ  કહ્યું કે "વોર્મ-અપ ખૂબ સારું હતું પરંતુ મારી આગળની જાંઘ અને જાંઘની અંદરના સ્નાયુઓમાં ખેંચાણ શરૂ થઈ ગયું, જેના કારણે હું થોડો સમય ચાલી શકતો ન હતો અને વોર્મ-અપ દરમિયાન 140 કિલોગ્રામનો આંકડો પાર ન કરી શક્યો," તેણે  કહ્યું કે તે દેશ માટે મેડલ જીતીને ખુશ છે, પરંતુ તેના પ્રદર્શનથી સંતુષ્ટ નથી. "હું વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખતો હતો, પરંતુ દેશ માટે ગોલ્ડ જીતવો એ ગર્વની ક્ષણ છે."