નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. જે બાદ સમગ્ર વિશ્વમાં માહીના ગુણગાન ગવાઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ધોનીની નિવૃત્તિને લઈ બે પાનાનો પત્ર લખ્યો છે.


મોદીએ ધોનીને લખેલા લેટરમાં જણાવ્યું કે, તમારામાં નવા ભારતની આત્મા ઝળકે છે. તમે ખુદ એક નવી ઊંચાઈ હાંસલ કરીને અનેક યુવાનોના પ્રેરણાસ્ત્રોત બન્યા છો. તમારી નિવૃત્તિ વખતે 130 કરોડ ભારતીયો નિરાશ થયા હતા પરંતુ ભારતીય ક્રિકેટ માટે તમે જે કર્યું છે તેના માટે સદાય આભારી રહેશો.



ધોનીએ પણ મોદીના ટ્વિટનો આભાર માનતાં કહ્યું, એક કલાકાર, સૈનિક અને ખેલાડીના કામની હંમેશા કદર થાય છે. તેમની મહેનત અને બલિદાનને બધા ઓળખે તેમ હંમેશા ઈચ્છતા હોય છે. તમારી તરફથી મળેલી પ્રશંસા અને શુભકામના માટે પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી તમારો આભાર.

ધોનીએ 90 ટેસ્ટની 144 ઈનિંગમાં 16 વખત નોટ આઉટ રહીને 4876 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં 6 સદી અને 33 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 224 રન છે.  તેણે 350 વન ડેમાં 84 વખત અણનમ રહીને 10,773 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 10 સદી અને 73 અડધી સદી ફટકારી છે અને સર્વોચ્ચ સ્કોર 183 રન નોટઆઉટ છે.

ભારતને 2007નો ટી-20 વર્લ્ડકર જીતાડનારા કેપ્ટન ધોનીએ 98 ટી-20 મેચમાં 42 વખત નોટ આઉટ રહીને 1617 રન બનાવ્યા છે. ટી-20માં તેનો સર્વોચ્ચ સ્કોર 56 રન છે.