નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું માનવું છે કે, રિકી પોન્ટિંગ ટીમ ઇન્ડિયાના આગામી કોચ બનવા માટે મજબૂત દાવેદાર છે. તેમનું કહેવું છે કે, પોન્ટિંગમાં એ તમામ ખૂબીઓ છે જે એક કોચમાં હોવી જોઈએ. પોન્ટિંગ આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ છે અને ગાંગુલી ટીમની સાથે સલાહકાર તરીકે જોડાયેલ છે.



આ બંનેના માર્ગદર્શનમાં દિલ્હીની ટીમ 2012 પછી પહેલી વખત આઇપીએલના પ્લેઓફમાં પહોંચી છે. દિલ્હી અત્યારે ટેબલમાં ટોપ પર છે. એક ઇન્ટરવ્યુમાં ગાંગુલીને પૂછવામાં આવ્યું કે શું પોન્ટિંગ ભારતીય ટીમના કોચ બની શકે છે? જવાબમાં સૌરભ ગાંગુલીએ કહ્યું કે જો તમે પ્રતિષ્ઠાની વાત કરો તો ચોક્કસ એક મજબૂત દાવેદાર છે. જો કે તેમણે એમ પણ કહ્યું કે તેના માટે તમારે પોન્ટિંગને પૂછવું પડશે કે શું 8-9 મહિના તમારા ઘરથી દૂર રહેવા માટે તૈયાર છો? પરંતુ જયાં સુધી પ્રતિષ્ઠાની વાત છે તો તેઓ એક મજબૂત દાવેદાર હોઇ શકે છે.



ગાંગુલી, સચિન, અને લક્ષ્મણની સાથે તેઓ સલાહકાર સમિતિના સભ્ય છે. જે ટીમ ઇન્ડિયા માટે કોચની પસંદગી કરે છે. દિલ્હી માટે પોન્ટિંગની સાથે કામ કરવાના અનુભવને લઇ પૂર્વ કેપ્ટને કહ્યું કે એ સમય પણ પસાર થઇ ગયો જ્યારે પિચ પર એકબીજાના વિરોધી રહેતા હતા. તેમણે કહ્યું કે હવે અમે સારા મિત્રો છીએ. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમારા સંબંધ મજબૂત થયા છે.