દિલ્હીના ક્યા 18 વર્ષના બેટ્સમેનની સચિન સાથે થઈ રહી છે સરખામણી ? બીજા કોના જેવી છે બેટિંગ સ્ટાઈલ ?
મુંબઇઃ ગઇકાલે રમાયેલી રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં દિલ્હીના ઓપનર પૃથ્વી શોએ રમેલી આક્રમક રમતના સૌ કોઇ દિવાના બની ગયા હતા. 18 વર્ષીય પૃથ્વી શોએ આ મેચમાં ફક્ત 25 બોલમાં જ 47 રન ફટકારી દીધા હતા જેમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. પૃથ્વી શોની બેટિંગ જોઇ સૌ કોઇ તેની સરખામણી માસ્ટર બ્લાસ્ટર સચિન સાથે કરી રહ્યા છે.
પૃથ્વી શો ફક્ત સચિનની જેમ જ નહીં પરંતુ વેસ્ટ ઇન્ડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારાની જેમ પણ બેટિંગ કરે છે. એક્સપર્ટના મતે તે લારાની જેમ બેકલિફ્ટ ફટકારી શકે છે તો વિરાટ કોહલીની જેમ કવર ડ્રાઇવ પણ ફટકારી શકે છે.
ઉલ્લેખનીય છે કે પૃથ્વી શોની કેપ્ટનશીપમાં જ આ વર્ષે ભારતે અંડર-19 વર્લ્ડકપ જીત્યો હતો. તેમાં પણ પૃથ્વીનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. પૃથ્વી શોએ સચિનની જેમ નાની ઉંમરમાં ક્રિકેટમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે.
અત્યાર સુધીમાં આઇપીએલમાં ચાર મેચમાં 166.67ની સ્ટ્રાઇક રેટથી 140 રન ફટકાર્યા છે. પૃથ્વી કવર ડ્રાઇવ, ઓફ ડ્રાઇવ, કટ અને પુલ્સ શોર્ટ્સ સારી રીતે ફટકારી શકે છે.
પૃથ્વી શો ફક્ત 18 વર્ષની ઉંમરમાં મુંબઇ રણજી ટ્રોફી ટીમનો કાયમી સભ્ય છે. તેણે આ વર્ષે જ આઇપીએલમાં ડેબ્યૂ કર્યું છે અને પોતાની બીજી જ મેચમાં કોલકત્તા સામે 62 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
સ્કૂલમાં રમતી વખતે ફક્ત 14 વર્ષની ઉંમરમાં 546 રનની મેરેથોન ઇનિંગ રમવાને લઇને પૃથ્વી શો પ્રથમવાર ચર્ચામાં આવ્યો હતો. આ ઇનિંગ સ્કૂલના ક્રિકેટમાં સૌથી લાંબી ઇનિંગ છે. સચિન પણ સ્કૂલના દિવસોમાં વિનોદ કાંબલી સાથે સૌથી મોટી પાર્ટનરશીપ બનાવવાને લઇને ચર્ચામાં આવ્યો હતો.