નવી દિલ્હીઃ ગુજરાતના ટોચના બેટ્સમેન પ્રિયાંક પંચાલ સારી રીતે સમજે છે કે હાલની ભારતીય ટેસ્ટ ટીમમાં તેના સ્થાન બનાવવું એટલું સરળ નહીં રહે, પરંતુ તે દોડમાં રહેવા માટે સતત રન બનાવવાનું ચાલુ રાખવા માગે છે.


ભારતીય બેટિંગ લાઈનઅપમાં ટોચના ક્રમમાં રોહિત શર્મા અને મયંક અગ્રવાલ છે જ્યારે શુભમન ગિલ અને પૃથ્વી શો તેના ‘બેકઅપ’ છે. એવામાં ઘર આંગણે ફર્સ્ટ ક્લાસ મેચમાં સતત રન બનાવવા છતાં પંચાલની પાસે રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ નથી.



બંગાળ સામે રણજી મેચ રમવા આવેલા પ્રિયાંક પંચાલે કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં કહ્યું હતું કે તે એ વાતથી ખુશ છે કે તેનું નામ ટીમ ઇન્ડિયામાં સિલેક્શન માટે જઈ રહ્યું છે. તે ફક્ત રન બનાવવા માંગે છે અને તેના ઉપર જ તેનું ધ્યાન છે. ઉલ્લેખનીય છે કે પંચાલનો સમાવેશ ન્યૂઝીલેન્ડ પ્રવાસે જઈ રહેલી ઇન્ડિયા-એ ટીમમાં થયો છે.

પ્રિયાંક પંચાલ ગુજરાતનો ઓપનર છે અને તે જસપ્રીત બુમરાહનો મિત્ર પણ છે. પ્રિયાંક પંચાલ શરુઆતથી જ બુમરાહ સામે રમતો આવ્યો છે. નેટ્સ પર તે બુમરાહ સાથે ટ્રેનિંગ કરે છે. દુનિયામાં ઘણા ઓછા બૅટ્સમેન છે જે બુમરાહ સામે નિડર બનીને રમે છે, તેમાં પ્રિયાંકનો સમાવેશ થાય છે. પ્રિયાંકનો રેકોર્ડ પણ કમાલનો છે. પ્રિયાંકે અત્યાર સુધી 90 ફર્સ્ટ ક્લાસ મેચમાં 46.83ની એવરેજથી 6417 રન બનાવ્યા છે. તેના નામે 22 સેન્ચુરી અને 24 હાફ સેન્ચુરી છે. લિસ્ટ-એ ક્રિકેટમાં પ્રિયાંકે 39.90ની એવરેજથી 2594 રન બનાવ્યા છે. જેમાં 4 સદીનો સમાવેશ થાય છે.