મુંબઈ: પ્રો કબડ્ડીમાં શુક્રવારે રમાયેલા 22માં મુકાબલામાં યૂ-મુમ્બાએ ગુજરાત ફૉર્ચ્યૂનજાયન્ટ્સને 32-20 થી હરાવ્યું હતું. આ જીત સાથે યૂ-મુમ્બા પ્વોઈંટ્સ ટેબલમાં ટૉપ પર પહોંચી ગઈ છે. અત્યાર સુધી સતત હાંસલ કરનારી ગુજરાત ફૉર્ચ્યૂનજાયન્ટ્સને આ સીઝનમાં પ્રથમ વખત હારનો સામનો કરવો પડ્યો છે.

યૂ-મુમ્બા તરફથી સુરેન્દ્ર સિંહે ડિફેન્સમાં હાઈ 5 કર્યા જ્યારે રેડિંગમાં પણ ટીમને 4 પોઈન્ટ અપાવ્યા હતા. જ્યારે ગુજરાત તરફથી જીબી મોરે અને અંકિત 3-3 પોઈન્ટ લઈ શક્યા હતા. આ મેચમાં ફજલ અત્રાચલીએ પ્રો કબડ્ડી લીગના ઇતિહાસમાં પોતાના 250 ટેકલ પોઈન્ટ પુરા કર્યા હતા.


મેચના શરૂઆતમાં થોડીક મિનિટ સુધી રમત લગભગ બરાબરી પર ચાલી રહી હતી. હાફ ટાઈમ સુધી યૂ-મુમ્બા અને ગુજરાતનો સ્કોર 9-7 હતો. બીજા હાફની શરૂઆતમાં ગુજરાતે સુપર ટેકલ કરી મેચ બરાબરી પર લાવી દીધી હતી. પંરતુ તેના બાદ મુંબાના ખેલાડીઓ પોતાની શાનદાર રમતથી મેચને એક તરફી બનાવી લીધી હતી. અને ગુજરાતને બે વખત ઑલ આઉટ કર્યું હતુ, મેચની 15મી મિનિટે મુમ્બા તરફથી સુરેન્દ્ર સિંહે સુપર રેડ કરી અને ચાર રેડ પોઈન્ટ હાંસલ કર્યા હતા. તેના બાદ મુમ્બાએ 12 પોઈન્ટ્સ સાથે મેચ પોતાના નામે કરી લીધી હતી.


ગુજરાતની ટીમને સીઝનમાં સતત ત્રણ જીત બાદ મુમ્બા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલા બેંગલુરુ બુલ્સને 24-42થી હરાવ્યું હતું. બીજી મેચમાં યૂપી યોદ્ધાને 44-19થી માત આપી તેના બાદ ત્રીજી મેચમાં દિલ્હીને 31-26થી હરાવ્યું હતું.