U Mumba vs Telugu Titans: U Mumba એ Pro Kabaddi League (PKL) 2022 ની 54મી મેચમાં તેલુગુ ટાઇટન્સને હરાવ્યું હતું. U Mumba એ આ મેચ 40-37ના માર્જીનથી જીતી લીધી હતી. મુમ્બાની આ સિઝનની છઠ્ઠી જીત છે, જ્યારે ટાઇટન્સને 10 મેચમાં નવમી હાર મળી છે. મુમ્બા આ મેચમાં તેના સ્ટાર રેડર ગુમાન સિંહ વિના મેદાનમાં ઉતર્યું હતું, પરંતુ યુવા ખેલાડી આશિષે શાનદાર સુપર-10 લગાવતા પોતાની ટીમને આ જીત અપાવી છે. 18 પોઈન્ટ લેવા છતાં સિદ્ધાર્થ દેસાઈ ટાઇટન્સની હાર ટાળી શક્યો ન હતો.






મુમ્બાએ પ્રથમ હાફમાં ચાર પોઈન્ટની લીડ લીધી હતી


પ્રથમ હાફમાં મુમ્બાનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું અને તેણે ટાઇટન્સને સતત મુશ્કેલીમાં મુકી દીધું હતું પરંતુ ટાઇટન્સની ટીમે પણ સારો વળતો પ્રહાર કર્યો હતો. પ્રથમ હાફના અંતની લગભગ 5 મિનિટ પહેલા ટાઇટન્સ ઓલઆઉટની નજીક હતી પરંતુ મોહસેન મઘસુદલુએ ઓલઆઉટને બચાવી લીધું હતું. પછીની રેડમાં તેણે ફરી એકવાર તેની ટીમને ઓલઆઉટ થતી બચાવી, પરંતુ તે પછી ટાઇટન્સ તેમના ઓલઆઉટને રોકી શક્યુ નહી અને ટીમ ઓલઆઉટ થઇ ગઇ હતી. ટાઇટન્સને ઓલઆઉટ આપ્યા બાદ મુમ્બાએ 4 પોઈન્ટની લીડ મેળવી હતી.


હાફ ટાઈમ સુધી મુમ્બાની 4 પોઈન્ટની લીડ હતી. આશિષે રેઇડિંગમાં શાનદાર પ્રદર્શન કરીને કુલ 5 પોઇન્ટ મેળવ્યા હતા. આ સિઝનમાં પ્રથમ વખત સિદ્ધાર્થ દેસાઈની શાનદાર રમત જોવા મળી જેણે ટાઇટન્સ માટે સૌથી વધુ 4 રેઇડ પોઈન્ટ મેળવ્યા હતા. ડિફેન્સમાં પરવેશ ભૈંસવાલે પોતાની જૂની લય બતાવી 3 પોઈન્ટ મેળવ્યા હતા.






બીજા હાફમાં ટાઇટન્સે શાનદાર રમત બતાવી હતી


બીજા હાફમાં પણ મુમ્બાની તરફથી શાનદાર રમત જોવા મળી હતી અને તેણે નવમી મિનિટમાં ટાઇટન્સને આઉટ કરીને મેચમાં નવ પોઇન્ટની લીડ મેળવી હતી. સિદ્ધાર્થ અને પરવેશે સળંગ પોઈન્ટ લઈને મુમ્બાની લીડ ઘટાડી હતી, પરંતુ છેલ્લી પાંચ મિનિટમાં મુમ્બાની રમત શાનદાર હતી અને તેણે પોતાની લીડને વધુ ઓછી થવા દીધી નહોતી. છેલ્લી મિનિટોમાં મુમ્બાની લીડને ત્રણ પોઈન્ટ સુધી ઘટાડી હતી. જો કે, મુમ્બાએ છેલ્લી ઘડીએ કોઈ ભૂલ કરી ન હતી અને તે જ ત્રણ પોઈન્ટના કારણે મેચ જીતી લીધી હતી.