Dabang Delhi vs Gujarat Giants: પ્રો કબડ્ડી લીગ (PKL) 2022 ની 11મી મેચમાં દબંગ દિલ્હીએ ગુજરાત જાયન્ટ્સને મોટા અંતરથી હરાવ્યું છે. આ સિઝનમાં દિલ્હીની આ સતત બીજી જીત છે અને તેણે આ બંને મેચમાં મોટા માર્જિનથી જીત મેળવી છે. દિલ્હીનો ગુજરાત સામે 53-33ના માર્જીનથી વિજય થયો હતો. બે મેચ રમ્યા બાદ પણ ગુજરાત હાલમાં પ્રથમ જીતની રાહ જોઈ રહ્યું છે. સતત બીજી જીત સાથે દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર છે.






મેચનો પ્રથમ હાફ થોડો ધીમો હતો જેમાં બંને ટીમોએ સાવચેતીપૂર્વક રમવાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાતે એક સમયે મેચમાં 3 પોઈન્ટની લીડ લીધી હતી અને દિલ્હી ઓલઆઉટ થવાની નજીક હતી. જો કે આ દરમિયાન નવા ખેલાડી મનજીતે સુપર રેઈડ કરીને પોતાની ટીમને ઓલઆઉટ કરતા બચાવી લીધી અને સાથે જ ગુજરાતને મુશ્કેલીમાં મુકી દીધી હતી. પ્રથમ હાફ પૂરો થવાની એક મિનિટ પહેલા દિલ્હીએ ગુજરાતને ઓલઆઉટ કરી 5 પોઈન્ટની લીડ મેળવી હતી. ગુજરાત માટે પ્રથમ હાફની સૌથી સારી બાબત એ હતી કે તેમના યુવા રેઇડર એચએસ રાકેશે આ સિઝનમાં સતત બીજી સુપર ટેન પૂર્ણ કરી હતી.






પ્રથમ હાફમાં લીડ રાખ્યા બાદ દિલ્હીએ બીજા હાફમાં ગુજરાતને કોઈ તક આપી ન હતી. બીજા હાફમાં દિલ્હીને કુલ 32 પોઈન્ટ મળ્યા અને ગુજરાતના હિસ્સામાં માત્ર 16 પોઈન્ટ આવ્યા હતા. દિલ્હી માટે નવીન કુમારે સિઝનનો સતત બીજો સુપર ટેન બનાવ્યો છે અને કુલ 15 પોઈન્ટ બનાવ્યા છે. દિલ્હીના યુવા રેઇડર મનજીતે પણ પોતાનો સુપર ટેન પૂર્ણ કર્યો, જ્યારે ક્રિશન કુમાર ધુલે સાત ટેકલ પોઈન્ટ લીધા હતા.