નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનો પર થયેલા આતંકવાદી હુમલા બાદ દેશની પ્રખ્યાત હસ્તિઓ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહ્યા છે. આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને લઇને ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્જાએ પણ દુખ વ્યક્ત કર્યું હતું. સાનિયાએ ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું હતું કે આ પોસ્ટ એવા લોકો માટે છે કે જેઓ માને છે કે દેશ અને દુનિયાની પ્રખ્યાત હસ્તિ તરીકે અમારે દેશમાં થયેલા હુમલાઓને લઇને નિંદા કરતી પોસ્ટ ટ્વીટર અને ઇન્સટાગ્રામ પર કરવી જરૂરી છે.


સાનિયા મિર્જાએ આગળ લખે છે કે તમારા માંથી કેટલાક એવા લોકો પણ છે કે જેમની પાસે ગુ્સ્સો કાઢવા માટે કોઇ ટાર્ગેટ નથી એટલે દેશમાં નફરત ફેલાવા માટેની કોઇ તક છોડતા નથી. હું મારા દેશ માટે રમું છું, દેશ માટે મારો પરસેવો પાડું છું અને આવી રીતે હું માર દેશની સેવા કરું છું. આ સીવાય હું મારા દેશ માટે શહીદ થયેલા સીઆરપીએફ જવાનોના પરિવારના લોકો સાથે ઉભી છું.

સાનિયાએ લખ્યું, 14 ફેબ્રુઆરી ભારત માટે બ્લેક ડે છે એને હું આશા રાખું છું કે ભવિષ્યમાં ક્યારેય પણ આવો દિવસ ફરી જોવા નહીં મળે. આ દિવસ ક્યારેય પણ ભુલવામાં નહીં આવે. હું શાંતિ માટે પ્રાર્થના કરું છું. ગુસ્સો ત્યાં સુધી જ બરાબર છે કે તેનાથી કઇંક બહાર નીકળીને આવી શકતું હોય અને કોઇ વ્યક્તિને ટ્રોલ કરવાથી કંઈ મળશે નહીં.

વાંચો: પુલવામા હુમલોઃ શહીદોના પરિવારોની મદદ માટે શિખર ધવને હાથ જોડીને શું કરી ભાવુક અપીલ, જુઓ વીડિયો

ઉલ્લેખનીય છે કે કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. કાફલા પર એક કાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. સીઆરપીએફના 2500 જેટલા જવાનો શ્રીનગરમાં ફરજ બજાવવા માટે જઇ રહ્યા હતા.