સીઆરપીએફના જવાનો પર પુલવામાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા સામે વિરોધ દર્શાવવા ‘ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા (સીસીઆઇ)એ તેના રેસ્ટોરાં ‘પોરબંદર ઓલ રાઉન્ડર’ ખાતે પ્રદર્શિત વિખ્યાત ઓલ રાઉન્ડર ક્રિકેટરોના પોટ્રેટ (ચિત્રો) પૈકી પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના પોટ્રેટને સફેદ કાગળથી ઢાંકી દીધું હતું.


આ ઉપરાંત સીસીઆઈના કાર્યાલયમાં અન્ય સ્થાનથી પણ ખાનની બે તસવીરો હટાવી લેવામાં આવી છે. ભારત સરકારે કાશ્મીરમાં ત્રાસવાદને પ્રોત્સાહન આપવા માટે પાકિસ્તાનને જવાબદાર ગણાવ્યું હતું અને ખાન સામે જનાક્રોશ ભભૂકી રહ્યો છે.


સીસીઆઈના પ્રમુખ પ્રેમલ ઉદાણીએ જણાવ્યું હતું કે, અમે આ રીતે ખાનની તસવીરો હટાવી દેશ સાથેની અમારી એક્તા દર્શાવી છે. છેવટે દેશ સર્વોપરી છે. સીસીઆઇના ભોંયતળિયે મુખ્ય હોલની જમણી તરફ આ રેસ્ટોરાં છે. તેની ગેલેરી વોલ પર કપિલ દેવ, ગેરી સોબર્સ અને ઈયાન બોથમનાં પોટ્રેટ છે જ્યારે બાજુની દિવાલ પર રીચર્ડ હેડલીનું પોટ્રેટ છે.

મેનેજમેન્ટે ખાનના પોટ્રેટને સફેદ કાગળથી ઢાંકી દીધું છે. આ પોટ્રેટને હંમેશા માટે કાઢી લેવા વિશેનો નિર્ણય તેણે હજુ કરવાનો બાકી છે. આ નિર્ણય અમે ગુરુવારે લીધો હતો. દેશનાં હિતોને અમે ક્યારેય જોખમમાં મૂકીશું નહી એમ ઉદાણીએ કહ્યું હતું.