સ્પેનિશ ટેનિસ સ્ટાર રાફેલ નડાલ પ્રથમ વખત પિતા બન્યો છે. નડાલની પત્ની Maria Francisca Perelloએ શનિવારે (8 ઓક્ટોબર) એક પુત્રને જન્મ આપ્યો હતો. સ્પેનની પ્રખ્યાત ફૂટબોલ ક્લબ રિયલ મેડ્રિડે આ સમાચાર તેમના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યા છે અને નડાલ અને તેની પત્નીને અભિનંદન પાઠવ્યા છે. આ વર્ષે જૂનમાં 36 વર્ષીય નડાલે તેની પત્ની પ્રેગનન્ટ હોવાની માહિતી ફેન્સ સાથે શેર કરી હતી.






રિયલ મેડ્રિડે લખ્યું, 'અમારા પ્રિય માનદ સભ્યો રાફેલ નડાલ અને મારિયા પેરેલોને તેમના પ્રથમ બાળકના જન્મ પર અભિનંદન. આ ક્ષણનો આનંદ વહેંચવામાં અમે તમારી સાથે જોડાઈએ છીએ. શુભેચ્છાઓ.' સ્પેનિશ મીડિયાના અહેવાલો અનુસાર, આ દંપતિએ તેમના બાળકનું નામ 'રાફેલ' રાખવાનો નિર્ણય કર્યો છે, જે આ દેશમાં ખૂબ પ્રખ્યાત નામ છે.


રાફેલ નડાલે તેની ગર્લફ્રેન્ડ મારિયા ફ્રાન્સિસ્કા પેરેલો સાથે 2019માં લગ્ન કર્યા હતા. રાફેલ નડાલ અને મારિયાએ 2005માં ડેટિંગ શરૂ કરી હતી. લગભગ 14 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કર્યા હતા. બંનેએ સ્પેનના સૌથી મોંઘા રિસોર્ટ 'લા ફોર્ટાલેઝા'માં લગ્ન કર્યા હતા.


મારિયા વ્યવસાયે વીમા એજન્ટ રહી છે. તે 'રાફા નડાલ ફાઉન્ડેશન'ની પ્રોજેક્ટ મેનેજર પણ છે. નડાલની પત્ની મારિયા પેરેલો ખૂબ જ ગ્લેમરસ છે અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. નડાલ ખૂબ જ વૈભવી જીવન જીવે છે. તે જે હવેલીમાં રહે છે તેની કિંમત 30 કરોડ રૂપિયા છે. આ હવેલી નડાલે વર્ષ 2013માં બનાવી હતી. રાફેલ નડાલ 1500 કરોડથી વધુની સંપત્તિનો માલિક છે.


નડાલ હાલમાં વર્લ્ડ નંબર-2 છે


ટેનિસની વાત કરીએ તો રાફેલ નડાલ વર્તમાન ATP રેન્કિંગમાં નંબર-2 પર છે. નડાલ પાસે આ વર્ષના અંત સુધીમાં પોતાના દેશના ખેલાડી કાર્લોસ અલ્કારેઝને પછાડીને ટોચ પર આવવાની તક છે. નડાલ તાજેતરમાં લંડનમાં લેવર કપમાં રમ્યો હતો જ્યાં તેણે સુપ્રસિદ્ધ રોજર ફેડરર સાથે ડબલ્સમાં ભાગ લીધો હતો. તે મેચ ફેડરરની કારકિર્દીની છેલ્લી મેચ હતી.


નડાલના નામે સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ છે


નડાલની વાત કરીએ તો તે મેન્સ સિંગલ્સમાં સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતનાર ખેલાડી છે. નડાલે અત્યાર સુધીમાં 22 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે. નડાલે વર્ષ 2022ની શરૂઆત ઓસ્ટ્રેલિયન ઓપન જીતીને કરી હતી, ત્યારબાદ તેણે કારકિર્દીમાં 14મી વખત ફ્રેન્ચ ઓપન જીતી હતી. જોકે, ઈજાના કારણે નડાલને વિમ્બલ્ડન 2022ની સેમીફાઈનલમાંથી ખસી જવું પડ્યું હતું. આ પછી યુએસ ઓપનના ચોથા રાઉન્ડમાં ફ્રાન્સિસ ટિયાફો સામે હાર્યા બાદ તે સ્પર્ધામાંથી બહાર થઈ ગયો હતો.