નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડનો દીકરો સમિત દ્રવિડ પોતાની બેટિંગથી જૂનિયર લેવલ પર ખૂબ જ પ્રભાવિત કરી રહ્યો છે. બીટીઆર શીલ્ડ અંડર-14 ગ્રુપ-1, ડિવીઝન-2 ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં તેની ટીમ માલ્યા અદિતી ઇન્ટરનેશનલ સ્કૂલ પહોંચી ગઈ છે. સમિત દ્રવિડની સેન્ચુરીના જોરે તેની ટીમે સેમીફાઈનલમાં સ્થાન બનાવ્યું છે. ત્રણ મહિનામાં બે ડબલ સેન્ચુરી ફટકારનાર સમિતે 131 બોલરમાં 166 રનની ઇનિંગ રમીને પોતાની ટીમને સેમીફાઈનલમાં પહોંચાડી. આ દરમિયાન સમિતે 24 ચોગ્ગા ફટકાર્યા હતા.


સમિતે આ ઉપરાંત 34 રન આપીને ચાર વિકેટ પણ ઝડપી. સમિતના આ પ્રદર્શનના જોરે માલ્યા અદિતી ઇન્ટરનેસનલ સ્કૂલે વિદ્યાશિલ્પ એકેડમીને મોટા તફાવતથી હરાવ્યું. માલ્યા અદિતી ઇન્ટરનેશનલ સ્કૂલે 50 ઓવરમાં પાંચ વિકેટ પર 330 રન બનાવ્યા, જવાબમાં વિદ્યાશિલ્પ એકેડમી 38.5 ઓવરમાં 182 રન પર ઓલઆઉટ થઈ ગઈ.



નોંધનીય છે કે, આ પહેલા સમિત દ્રવિડે શ્રીકુમારન ચિલ્ડ્રન્સ એેકેડમી સામે બેવડી સદી ફટકારી હતી. 15 ફેબ્રુઆરીએ રમાયેલી મેચમાં સમિતે 146 બોલમાં 201 રન બનાવ્યા હતા. જેમાં 33 ફોર ફટકારી હતી.

આ પહેલા ગત વર્ષે સમિત દ્રવિડે ધારાવાડ ઝોન અંડર 14 ઇન્ટર ઝોનલ ટૂર્નામેન્ટમાં પણ બેવડી સદી ફટકારી હતી. તેણે તે મેચમાં 295 રન બનાવ્યા હતા. સમિતે નાની ઉંમરમાં ઘણી યાદગાર ઇનિંગ્સ રમી છે.

સમિત પોતાના પિતા રાહુલ દ્રવિડની જેમ અનુશાસિત લાઇફ સ્ટાઇલ માટે ઓળખાય છે. તે મેદાન પર દિવસ ભર પ્રેક્ટિસ કરે છે. સમિતની અંદર રાહુલ દ્રવિડનો ક્લાસ છે. તે ઝડપથી રન બનાવવાનું પસંદ કરે છે. ખબર પ્રમાણે રાહુલ દ્રવિડે સમિતના કોચ અને સ્કૂલ પસંદગીકારને મેરિટના આધારે જ ટીમમાં પસંદગી કરવા કહ્યું છે. સમિત સાથે સામાન્ય બાળકો જેવો વ્યવહાર કરવામાં આવે.