નવી દિલ્હીઃ વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામેની હારીને બહાર ફેંકાયેલી ભારતીય ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીની હકાલપટ્ટી કરાય તેવી શક્યતા છે. ભારતીય ક્રિકેટ બોર્ડે વિરાટ કોહલીની કેપ્ટન્સી હેઠળની ટીમ ઈન્ડિયા માટે નવા હેડ કોચ અને સપોર્ટ સ્ટાફની તલાશ શરૂ કરી દીધી છે.

બીસીસીઆઇની જાહેરાત અનુસાર ટીમ ઈન્ડિયાના હવે પછીના કોચ 60 વર્ષથી ઓછી વયના હશે અને આંતરરાષ્ટ્રીય સ્તરનો ઓછામાં ઓછો બે વર્ષનો કોચિંગ અનુભવ ધરાવતા હશે. હાલમાં એવી શક્યતા છે કે, રાહુલ દ્રવિડને ભારતીય ક્રિકેટ ટીમનો કોચ બનાવવામાં આવશે.

ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે રવિ શાસ્ત્રીની નિયુક્તિ જુલાઈ, 2017માં કરવામાં આવી હતી. તેની સાથેનો બોર્ડનો કરાર વર્લ્ડકપની સાથે સમાપ્ત થઈ ગયો હતો. જો કે શાસ્ત્રી તેમજ અન્ય સપોર્ટ સ્ટાફનો કરાર આગામી વિન્ડિઝ પ્રવાસને ધ્યાનમાં રાખીને 45 દિવસ માટે લંબાવવામાં આવ્યો છે.