નવી દિલ્હી: રાજસ્થાન રોયલ્સના યુવા બેટ્સમેન રિયાન પરાગે કોલકાતા નાઈટ રાઈડર્સની વિરૂદ્ધ 31 બોલમાં 47 રનની જોરદાર ઇનિંગ રમી હતી. તેણે બે સિક્સર અને 5 ફોરની પોતાની આ ઈનિંગથી રાજસ્થાનને જીતની રાહ અપાવી હતી. જોકે તે જે રીતે આઉટ થયો તે ઘણું અનલકી હતું. પરાગનું આઉટ થવું ઘણું અજબ પ્રકારનું હતું અને આઈપીએલમાં આવું ભાગ્યે જ જોવા મળે છે.

રિયાન પરાગ 19મી ઓવરમાં આંદ્ર રસેલની બોલિંગ દરમિયાન હિટ વિકેટ થયો હતો. રસેલે બોલ ફેંક્યો ત્યારે પરાગ થોડો પાછળ ગયો હતો ને બોલને ફટકાર્યો હતો ત્યાર બાદ તેનું બેટ એક હાથથી છટકી ગયું અને સ્ટમ્પ પર ટકરાયું હતું. જોકે, બોલ ફોર માટે જતો રહ્યો હતો પરંતુ પરાગ આઉટ થવાના કારણે બાઉન્ડ્રીનો નિર્ણય પરત લેવામાં આવ્યો.

રિયાન પરાગે કોલાકાતા નાઈટરાઈડર્સની વિરૂદ્ધ હેલિકોપ્ટર શોટ દ્વારા પણ બાઉન્ડ્રી ફટકારી હતી. તેણે આ સીઝનમાં 4 મેચ રમી છે અને 110 રન બનાવ્યા છે.

રિયાન પરાગ આઉટ થતાં ઘણો નિરાશ થઈ ગયો હતો. તે રાજસ્થાન રોયલ્સના ડગ આઉટની પાસે ચહેરો હાથોથી ઢાંકેલો જોવા મળ્યો હતો. બીજી તરફ રોયલ્સના કેપ્ટન સ્વીટ સ્મિથે પણ તે આઉટ થતાં માથું પકડી લીધું હતું.