નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે રવિ શાસ્ત્રીની પસંદગીના મુદ્દે હવે તપાસ થઈ શકે છે અને જો તપાસમાં હિતોના ટકરાવનો મુદ્દો સાબિત થાય તો ફરીથી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ફરીથી ટીમના કોચની નિમણૂક કરી શકે છે. બીસીસીઆઈના એથિક્સ ઓફિસર ડી. કે. જૈને શનિવારે કપિલ દેવના વડપણ હેઠળની ક્રિકેટ સલાહકાર સમિતિ(સીએસી)ને હિતોના ટકરાવના સંબંધમાં નોટિસ મોકલી છે.


BCCIના એક અધિકારીએ કહ્યું કે, ‘જો શાસ્ત્રીને નિયુક્ત કરનારી સમિતિના સભ્યોમાં હિતોનો ટકરાવ નોંધવામાં આવશે તો શાસ્ત્રીને મુખ્ય કોચની પ્રક્રિયામાંથી ફરી એકવાર પસાર થવું પડશે. ફરી વખત એક નવી સમિતિનું ગઠન કરવામાં આવશે અને નવા રજિસ્ટર્ડ BCCI સંવિધાનને ધ્યાનમાં રાખી આથી પ્રક્રિયાનું પુનરાવર્તન કરવામાં આવશે, કારણ કે, બંધારણ સ્પષ્ટપણે એવું કહે છે કે, માત્ર એક CAC જ ભારતીય ટીમના મુખ્ય કોચને નિયુક્ત કરી શકે છે.’

અધિકારીએ આગળ કહ્યું કે, મહિલા ક્રિકેટ ટીમના કોચ ડબલ્યૂ.વી રમનની સાથે પણ આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન થઈ શકે છે કારણ કે, તેમણે જે એડ-હૉક CACને પસંદ કર્યા હતા તેમાં કપિલ દેવ, ગાયકવાડ અને રંગાસ્વામી જ શામેલ હતા. અધિકારીએ કહ્યું કે, ‘એ જોવાની જરૂર છે કે, રમનના કેસમાં જૈનનો શું નિર્ણય હોય છે, કારણ કે કોચ તરીકે તેમને પસંદ કરનારી એડ-હૉક સીએસીમાં આ જ ત્રણ સભ્યો હતા. ત્યાં સુધી કે, કોચના મામલામાં બે સભ્યોની પ્રશાસકોની સમિતિ (COA)પણ વિભાજિત હતી.’



મધ્ય પ્રદેશ ક્રિકેટ અસોસિયેશનના આજીવન સભ્ય સંજીવ ગુપ્તાએ કપિલ દેવ, શાંતા રંગાસ્વામી અને અંશુમન ગાયકવાડના વિરોધમાં અરજી કરી છે. આ સમિતિએ રવિ શાસ્ત્રીને ઓગસ્ટમાં મુખ્ય કોચ નિયુક્ત કર્યો હતો. ગુપ્તાએ કહ્યું છે કે બીસીસીઆઈના બંધારણ અનુસાર સીએસીનો કોઈ પણ સભ્ય ક્રિકેટમાં અન્ય કોઈ ભૂમિકા નિભાવી શકે નહીં. સીએસીના સભ્યો એક સાથે અનેક ભૂમિકાઓ ભજવી રહ્યા છે. ૧૯૮૩ની વર્લ્ડ ચેમ્પિયન ટીમનો સુકાની કપિલ દેવ સીએસીના મેમ્બર ઉપરાંત કોમેન્ટ્રી આપે છે, એક ફ્લડલાઇટ કંપનીનો માલિક છે અને ભારતીય ક્રિકેટર્સ ક્લબનો પણ મેમ્બર છે. અંશુમન ગાયકવાડ પણ એક એકેડેમીનો માલિક છે અને બીસીસીઆઈ માન્યતાપ્રાપ્ત સમિતિનો સભ્ય પણ છે. મહિલા ક્રિકેટ ટીમની સુકાની રહેલી શાંતા રંગાસ્વામી સીએસી ઉપરાંત આઈસીએમાં પણ મેમ્બર છે.

CBIના એથિક્સ ઓફિસર ડી. કે. જૈન દ્વારા હિતોના ટકરાવની નોટિસ મળ્યા બાદ શાંતા રંગાસ્વામીએ ક્રિકેટ સલાહકાર સમિતિ અને ક્રિકેટર્સ સંઘમાં ડિરેક્ટરપદેથી રાજીનામું આપી દીધું છે. આ મુદ્દે રંગાસ્વામીએ કહ્યું હતું કે મારી પાસે બીજી યોજનાઓ છે અને તેથી એમાં આગળ વધવાનો મેં નિર્ણય લીધો છે. CACની બેઠક વર્ષમાં એકવાર કે બે વર્ષમાં એક વાર થાય છે. આથી મને હિતોના ટકરાવની વાત સમજમાં આવતી નથી. હાલની પરિસ્થિતિમાં મને લાગે છે કે ક્રિકેટ બોર્ડમાં કોઈ પણ પ્રશાસકીય ભૂમિકા માટે યોગ્ય ભૂતપૂર્વ ક્રિકેટર શોધવો મુશ્કેલ છે. ICAમાંથી તો હું ચૂંટણી પહેલાં રાજીનામું આપી દેત. રંગાસ્વામીએ રવિવારે સવારે તેમનું રાજીનામું પ્રશાસકોની સમિતિને અને BCCIના મુખ્ય કાર્યકારી અધિકારી રાહુલ જૌહરીને ઈમેલ કરી દીધું હતું.