નવી દિલ્હીઃ આગરાની વિવિધા સનરાઈઝ એકેડમીના ડાબોડી બોલર રવિ યાદવે મધ્ય પ્રદેશ તરફતી રણજી ટ્રોફીમાં પોતાના ડેબ્યૂ મેચમાં જ મોટું કારનામું કર્યું છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તે દેશનો પ્રથમ એવા બોલર બની ગયો છે જેણે પોતાની ડેબ્યૂ મેચમાં પ્રથમ ઓવરમાં હેટ્રિક લીધી હોય.

ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં ચાલી રહેલ રણજી ટ્રોફીના પ્રથમ મેચમાં જ રવિ યાદવે યૂપીના ત્રણ ખેલાડીઓને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. પ્રથમ ઓવરમાં ત્રીજા, ચોથા અને પાંચમાં બોલ પર રવિ યાદવને સમીર રિજવી, અંકિત રાજપૂત અને આર્યન જુયાલને આઉટ કર્યા હતા.



ઈન્દોરમાં આ મુકાબલાના પહેલા દિવસે મધ્યપ્રદેશે યશ દુબે (70)ની અડધી સદીની મદદથી 230 રન બનાવ્યા હતાં. જે પછી રવિએ યુપીની ઈનિંગમાં શરુઆતના 3 ઝટકા આપ્યા અને દિવસ પૂરો થયો ત્યાં સુધીમાં 3 વિકેટ પર 22 રન સ્કોર રહ્યો હતો.

33 વર્ષના આ લેફ્ટ આર્મ પેસરે ઈનિંગની 7મી ઓવરના ત્રીજા બોલથી પોતાનો કમાલ બતાવ્યો હતો અને આર્યન જુયાલને 13 રનના અંગત સ્કોરે વિકેટ પાછળ કેચ કરાવ્યો હતો. જે પછી તેણે યુપીના કેપ્ટન અંકિત રાજપૂત (0)ને બોલ્ડ કર્યો. આ ઓવરના છેલ્લા બોલે તેણે સમીર રિઝવી (0)ને બોલ્ડ કરીને યુપીની ત્રીજી વિકેટ ખેરવી હતી. આ સાથે જ યુપીનો સ્કોર 15 રન પર 3 વિકેટ થયો હતો. દિવસની રમત સમાપ્ત થાય ત્યાં સુધીમાં અલમસ શૌકત 2 રન બનાવીને અને અક્ષદીપ નાથ 6 રન બનાવીને ક્રિઝ પર હતાં. ક્રિક ઈન્ફોના જણાવ્યાનુસાર, રવિ યાદવનો જન્મ યુપીના ફિરોઝાબાદમાં થયો છે પરંતુ તે મધ્યપ્રદેશ તરફથી રમે છે.