નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ દરમિયાન ઇન્ડિયન ક્રિકેટરની નિંદા કરવાનું કૉમેન્ટેટર સંજય માંજરેકરને ભારે પડી ગયુ હતું. ઇંગ્લેન્ડ વિરુદ્ધની હાર બાદ પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે કૉમેન્ટ્રી દરમિયાન ભારતીય ખેલાડીઓ પર ખરાબ કૉમેન્ટ કરી હતી. તેમની રમતની નિંદા કરી હતી. આ વાતને લઇને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સંજય માંજરેકર પર ભડક્યો હતો અને ટ્વીટ કરીને કહ્યું કે, તમારી બકવાસ બંધ કરો, બહુ સાંભળી લીધુ.
પૂર્વ ભારતીય બેટ્સમેન સંજય માંજરેકરે કહ્યું હતું કે, તેઓ આ સમયે એવા ખેલાડીને પ્લેઇંગ ઇલેવનમાં નથી જોવા માંગતા જે ટુકડા ટુકડામાં પરફોર્મન્સ કરતાં હોય છે. મને આવા ખેલાડીઓ પસંદ નથી, આજકાલ જાડેજા આવુ વનડે ક્રિકેટમાં કરી રહ્યો છે. સંજય માંજરેકરની આ કૉમેન્ટ પર રવિન્દ્ર જાડેજા ભડક્યો હતો અને તેને તરતજ ટ્વીટ કરીને માંજરેકરને ખરી-ખોટી સંભળાવી દીધી હતી. માંજરેકરને ટેગ કરીને લખ્યુ કે, હું તમારાથી ડબલ ક્રિકેટ રમી ચૂક્યો છું, એવા લોકોનું સન્માન કરવાનું શીખો, જેને કંઇક મેળવ્યુ હોય. હું તમારા વર્બલ ડાયરિયા વિશે બહુજ સાંભળી ચૂક્યો છું.