નવી દિલ્હીઃ રિદ્ધિમાન સહાએ સાઉથ આફ્રિકા વિરુદ્ધ સીરિઝ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું. જેનાથી ટીમ ઇન્ડિયાના ફિલ્ડિંગ કોચ આર.શ્રીધર ખૂબ ખુશ છે. શ્રીધરે સહા અને રવિન્દ્ર જાડેજા અંગે વાત કરી હતી. તેમણે કહ્યુ કે, અમે તમામ ક્ષેત્રે સારુ પ્રદર્શન કર્યું છે. પૂણેમાં સીરિઝ જીત્યા  બાદ  પણ ત્રીજી ટેસ્ટમાં અમારા પ્રદર્શનમાં કોઇ ઘટાડો થયો નહીં. સહાને લઇને તેમણે કહ્યું કે, તે અમારો સર્વક્ષેષ્ઠ વિકેટકીપર છે. સાઉથ આફ્રિકા વિરુદ્ધ અમને તેનું  ટેલેન્ટ જોવા મળ્યું. પંત અને સહાની સરખામણીને લઇને તેમણે કહ્યું કે, આ બંન્નેની સરખામણી કરવી યોગ્ય નથી. બંન્નેની  પોતાની તાકાત છે. પંત આપણુ ભવિષ્ય છે જ્યારે સહા વર્તમાન. બંન્ને શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, મેદાન પર જાડેજા હંમેશા જોશમાં રહે છે. પોતાની ફિલ્ડિંગના કારણે વિરોધી ટીમને હંમેશા એલર્ટ રાખે છે. તે મેદાન પર હંમેશા સતર્ક રહે છે. હું તો કહીશ કે લગભગ એક દાયકામાં જાડેજા સર્વશ્રેષ્ઠ ભારતીય ફિલ્ડર છે. વર્લ્ડકપ દરમિયાન પણ વિરોધી ટીમોએ આપણી ફિલ્ડિંગની પ્રશંસા કરી હતી. મને લાગે છે કે કોચ શાસ્ત્રી અને કોહલીએ તેના પર ધ્યાન આપવાની શરૂઆત કરી. બંન્ને ઇચ્છતા હતા કે ટીમ ઇન્ડિયાની ફિલ્ડિંગ વર્લ્ડક્લાસ હોય.