નવી દિલ્હીઃ 2011 વર્લ્ડ કપ દરમિયાન તે સમયના ઓસ્ટ્રેલિયાના કેપ્ટન રિકી પોન્ટિંગે ઝિમ્બાબ્વે વિરૂદ્ધ મેચમાં રન આઉટ થયા બાદ ગુસ્સામાં આવીને ટીમના ડ્રેસિંગ રૂમમાં લાગેલ એલસીડી ટીવી તોડી નાંખ્યું હતું, જે આજે પણ ફેન્સને યાદ હશે.

રિકી પોન્ટિંગ પર ડ્રેસિંગ રૂમના ટીવી સેટ તોડવા પર આઈસીસીએ આચાર સંહિતાના ઉલ્લંઘનનો દોષી ગણાવતા દંડ ફટકાર્યો હતો. જણાવીએ કે, આ વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે રમી રહી હતી જેને ભારતે ક્વાર્ટર ફાઈનલમાં હરાવીને બહાર કરી હતી. ભારતે આ ટૂર્નામેન્ટમાં 28 વર્ષ બાદ વર્લ્ડ કપ જીતી હતી.



2011 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વે મેચ દરમિયાન રિકી પોન્ટિંગ જ્યારે 28 રન પર રમી રહ્યા હતા. ત્યારે તે એક રન લેવા માડે દોડ્યા ત્યારે ક્રિસ મ્પોફૂનો એક થ્રો સીધો વિકેટ પર લાગ્યો અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટનની ઇનિંગ ખત્મ થઈ ગઈ. જ્યારે પોન્ટિંગ આઉટ થઈને ડ્રેસિંગ રૂમમાં પર ફર્યા ત્યારે ગુસ્સામાં હતા અને તેનો ગુસ્સો ટીવી પર કાઢ્યો.

પોન્ટિંગે મેચ રેફરી રોશન મહાનામા દ્વારા પ્રસ્તાવિક દંડ અને લેવલ એકના આરોપને સ્વીકારતા કહ્યું કે, તેમણે જાણીજોઈને ટીવી સેટ તોડ્યું ન હતું. પોન્ટિંગે કહ્યું હતું કે, મને ખબર ન હતી કે આ વાત ક્યાંથી આવી. આઈસીસીએ મારી વિરૂદ્ધ જે કાર્રવાઈ કરી તે મેં સ્વીકારી હતી. હું માત્ર એટલું સ્પષ્ટ કરવા માગુ છું કે મેં મારા બેટતી ટીવી તોડ્યું ન હતું.