ભારતે ગઈકાલે અંતિમ ટી20 ઇન્ટરનેશનલ મેચ જીતી અને સિરીઝ 3-0થી પોતાના નામે કરી. અંતિમ મેચમાં પંતે શાનદાર બેટિંગ કરી અણનમ 65 રન બનાવ્યા હતા. આ જીતમાં કેપ્ટન કોહલી સાથે 106 રનની ભાગેદારી કરી રિષભે મહત્વની ભૂમિકા ભજવી હતી.
મેચ બાદ રિષભે જણાવ્યું કે,‘જ્યારે હું રન નથી બનાવતો તો હું નિરાશ થઈ જાઉ છું. ત્યારે હું વિચારું છું કે સારું પ્રદર્શન કરવા માટે હું શું અલગ કરી શકું છું. ઘણી વખત હું યોગ્ય નિર્ણય લઉ છું તેમ છતાં સારું પર્ફોર્મ કરવામાં નિષ્ફળ થઈ જાઉ છું. જોકે આ ક્રિકેટમાં થતું હોય છે આ ખેલનો એક ભાગ છે. પરંતુ હું હંમેશા મૂળ વાતો પર ધ્યાન કેન્દ્રીત કરું છું અને પ્રોસેસને ફોલો કરવાની કોશિશ કરું છું.’ આપને જણાવી દઈએ કે વર્લ્ડ કપ 2019માં ન્યુઝીલેન્ડ સામેની સેમીફાઇનલ મેચમાં રિષભ પંત ખરાબ શોટ રમી આઉટ થયો હતો. જેના પછી તેની ઘણી ટીકા થઈ હતી.