નવી દિલ્હીઃ દુબઇની પીચો પર અત્યારે આઇસીસી ટી20 વર્લ્ડકપ ચાલી રહ્યો છે, ભારતીય ટીમનુ અભિયાન પુરુ થઇ ગયુ છે, હવે આજે માત્ર એક ઔપચારિક મેચ જ રમવાની છે, ભારત સાંજે નામિબિયા સામે મેચ રમશે અને વર્લ્ડકપમાં પોતાની સફર પુરી કરીને મુંબઇ પરત આવી જશે. ટીમ ઇન્ડિયાના સફરની સાથે સાથે કેપ્ટન વિરાટ કોહલીની કેપ્ટનશીપનો પણ અંત આવી ગયો છે, ટી20 ફોર્મેટમાં લગભગ હવે વિરાટ કોહલીની જગ્યાએ ટીમને નવો કેપ્ટન મળશે, ખાસ વાત છે કે, અગાઉ ટીમ ઇન્ડિયાને કૉચ રવિ શાસ્ત્રીની જગ્યાએ નવો કૉચ રાહુલ દ્રવિડના રૂપમાં મળી ચૂક્યો છે. 


રિપોર્ટ છે કે બીસીસીઆઇ ટીમ ઇન્ડિયામાં મોટા પાયે ફેરફાર કરવાના મુડમાં છે, જેમાં કૉચ અને કેપ્ટનની છુટ્ટીની સાથે સાથે કેટલાક ખેલાડીઓને પણ સાઇડમાં મુકવામાં આવી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે રોહિત શર્મા અને બુમરાહ બે જ એવા ખેલાડીઓ છે જે હાલમાં ટીમ ઇન્ડિયામાં ત્રણેય ફોર્મેટમાં રમી રહ્યાં છે, અને અનુભવી છે. આ બન્નેમાંથી એકને કેપ્ટન બનાવવાની માંગ ઉઠી હતી, પરંતુ હવે યુવાઓને ટીમની કમાન સોંપવામાં આવી તેવી વાત સામે આવી છે. 


કોહલીની ઉત્તરાગામી તરીકે રોહિત શર્માનુ નામ જરૂર ચર્ચામાં હતુ, પરંતુ ટી20 વર્લ્ડકપમાં રોહિતના ફોર્મે બધાની ચિંતા વધારી દીધી છે. હવે રોહિત અને બુમરાહને સાઇડમાં મુકીને ત્રણ યુવા ખેલાડીઓ કેપ્ટનશીપની જવાબદારી સંભાળવાનો દાવો કરવામાં અગ્રેસર છે, જેમાં ઋષભ પંત, કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરના નામ સૌથી આગળ છે, અને ત્રણેય પાસે કેપ્ટનશીપનો અનુભવ પણ છે.


ઋષભ પંત આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સની આ સિઝનમાં કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. આ સિવાય કેએલ રાહુલ અગાઉ ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપની સાથે સાથે આઇપીએલમાં પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે, અને શ્રેયસ અય્યરની પાસે પણ આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરવાનો અનુભવ છે, એટલે કે ત્રણેય યુવા ખેલાડીઓ પાસે ટી20 ફોર્મેટમાં ટીમની કમાન સંભાળવાનો અનુભવ છે.