નવી દિલ્હીઃ ભારતના દિગ્ગજ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણનું માનવું છે કે ઋષભ પંતની આક્રમક રમત ચોથા સ્થાન પર તેના કામમાં નથી આવી રહી. એવામાં આ યુવા બેટ્સમેનને બેટિંગ માટે નીચેના ક્રમ પર મોકલવામાં આવે જેથી તે ફોર્મમાં પાછો ફરવામાં મદદ મળી શકે. છેલ્લા કેટલાક સમયથી પંતનું ફોર્મ ચિંતાનો વિષય બન્યુ છે. એટલે સુધી કે મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યુ હતું કે, કેટલીક વખત આ યુવા વિકેટકીપરનું શોર્ટ સિલેક્શન નિરાશાજનક રહ્યું છે.

લક્ષ્મણે કહ્યું કે, પંતની સમસ્યાનું સમાધાન સામાન્ય પણ હોઇ શકે છે કે તેને બેટિંગના ક્રમમાં નીચે મોકલવામાં આવે. લક્ષ્મણે કહ્યુ કે, પંતની બેટિંગની શૈલી એવી છે કે તે હંમેશા આક્રમક રમત રમે છે. દુર્ભાગ્યવશ તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ચોથા ક્રમ પર સફળ રહી શક્યો નથી. પંતને પાંચમા અને છઠ્ઠા નંબર પર બેટિંગ કરાવવી જોઇએ જ્યાં તેની પાસે પોતાને સાબિત કરવાની તક મળે. હાલમાં તે જાણતો નથી કે ચોથા ક્રમ પર રન બનાવવાની યોગ્ય રીત કઇ છે.

લક્ષ્મણે કહ્યુ કે, આ 21 વર્ષના ખેલાડી પર વધુ દબાણ બનાવવું જોઇએ નહી કારણ કે પ્રત્યેક ખેલાડી ક્યારેક ના ક્યારેક ખરાબ સમયમાંથી પસાર થાય છે. તમામ ખેલાડી આ સમયમાંથી પસાર થાય છે. તેણે પોતાની સ્વાભાવિક રમત રમવી જોઇએ. તે સારું પ્રદર્શન કરવા માટે મહેનત કરી રહ્યો છે. હાલમાં ચોથા ક્રમ પર શ્રેયસ ઐય્યર અને હાર્દિક પંડ્યા સારો વિકલ્પ નજર આવી રહ્યા છે. ચોથા નંબર પર બેટિંગ કરવા માટે હાર્દિક પંડ્યા અને ઐય્યર જેવા બેટ્સમેન પણ છે. મહેન્દ્ર ધોનીનો ઉત્તરાધિકારી કહેવાના કારણે પંત પર દબાણ વધ્યું છે. પંતનું મનોબળ પાછુ લાવવા માટે ટીમ મેનેજમેન્ટે તેને પાંચમા કે છઠ્ઠા નંબર પર બેટિંગ કરાવવાની જરૂર છે.