નવી દિલ્હીઃ લિમિટેડ ઓવર ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાના વાઈસ કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર રોહિત શર્મા છેલ્લા ઘણાં સમયથી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. રોહિત હાલમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર છે, જ્યાં ભારતે પાંચ મેચની ટી20 સીરીઝમાં 5-0થી ક્લીપસ્વીપ કર્યું. રોહિત જોકે ટી20 સીરીધની અંતિમ મેચમાં ઈજાગ્રસ્ત થઈ જતા વનડે અને ટેસ્ટ સીરીઝમાંથી બહાર થઈ ગયા છે. આ પ્રવાસ પર આવતા પહેલા રોહિતે એક ટોક શો માટે શૂટિંગ કર્યું હતું, જેનો એપિસોડ હાલમાં જ યૂટ્યૂબ પર આવ્યો. આ શોમાં રોહિતે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપના ખૂબ વખાણ કર્યા છે.

ધોનીની આગેવાનીમાં ભારતે 2007માં પ્રથમ ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ 2011માં મુંબઈમાં શ્રીલંકાને ફાઈનલમાં હરાવીને 50 ઓવરનો વર્લ્ડપ જીત્યો હતો. ધોનીની જ કેપ્ટનશિપમાં ભારેત 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી ખિતાબ જીત્યો અને તેની જ આગેવાનીમાં ચેન્નઈ સુપરકિંગ્સે આઈપીએલનો ત્રીજો ખિતાબ જીત્યો. દક્ષિણ આફ્રીકામાં ટી20 વર્લ્ડ કપ દરમિયાન ધોનીની આગેવાનીમાં ડેબ્યૂ કરનાર રોહિતે પોતાના પૂર્વ કેપ્ટનના ખૂબ વખાણ કર્યા છે. રોહિતે ચેટ શો ‘કર્લી ટેલ્સમાં કહ્યું, સમગ્ર ભારતને ખબર છે કે મહેન્દ્ર સિંહ ધોની આવા જ છે. તેના કારણે તેને મેદાન પર સારા નિર્ણય લેવામાં મદદ મળે છે અને હવે તમે જોઈ શકો છો કે તે સૌથી સફળ ભારતીય કેપ્ટન છે, તેમણે ત્રણ આઈસીસી ટ્રોફી જીતી છે અને અનેક આઈપીએલ ખિતાબ પણ.’



32 વર્ષીય રોહિતે કહ્યું કે, જ્યારે ધોની કેપ્ટન હતો ત્યારે તે યુવાન અને અનુભવહીન બોલર્સને ઘણી સારી રીતે યુઝ કરતો હતો અને તેમની પાસેથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરાવતો હતો. રોહિતે જણાવ્યું કે, ‘મેં ઘણીવાર જોયું છે કે, જ્યારે યુવા બોલર્સ દબાણમાં આવે તો તે તેની સાથે કેવી રીતે કામ કરે છે. તે તેની પાસે જતો અને તેની ગરદન અને ખભા પર હાથ મૂકતો, તેની સાથે વાત કરતો કે શું કરવાની જરૂર છે અને શું નહીં.’

BCCIના કેન્દ્રીય અનુબંધિત ખેલાડીઓની યાદમાંથી તાજેતરમાં બહાર થયેલો ધોની ગત વર્ષે 50 ઓવરના વર્લ્ડકપ બાદ કોઈ ઈન્ટરનેશનલ મેચ રમ્યો નથી. તે 29 માર્ચથી શરૂ થઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમશે તેવી આશા છે.