નવી દિલ્હી: વર્લ્ડ કપ સેમીફાઈનલમાં હાર બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે મતભેદો હોવાના અહેવાલ આવ્યા હતા. જો કે કોહલીએ આ ખબરોને અફવા ગણાવતા કહ્યું હતું કે બધુ બરાબર છે. તેની વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે જેમાં રવિન્દ્ર જાડેજા હસી મજાકમાં રોહિત શર્મા સામે વિરાટ કોહલીની નકલ કરી રહ્યો છે.


ટીમ ઈન્ડિયા હાલમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. આ દરમિયાન રોહિત શર્મા જાડેજા સાથે હેડ્સ અપ ચેલેન્જ રમી રહ્યા હતા, જેમાં રોહિત શર્માએ જાડેજાની એક્શન જોઈને કયા ક્રિકેટરની નકલ કરી તેનું નામ જણાવાનું હતું.

જાડેજાએ પહેલો તો બુમરાહની નકલ કરી તો બન્ને જોર જોરથી હસવા લાગ્યા. તેના બાદ રોહિતને ખબર નહોતી કે તેના હાથમાં બીજુ નામ કોહલીનું આવશે, રોહિતને જાડેજાની હિંટનો અંદાજો લગાવવાનો હતો કે તેના હાથમાં કોનું નામ છે. જોડેજાએ કોહલીની નકલ કરી ત્યારે રોહિતે થોડો સમય લીધા બાદ સાચો અંદાજ લગાવ્યો તો દૂર બેસીને જોયા કરતો કોહલી પણ હસવા લાગ્યો હતો. આ વીડિયોને ઈન્ડિયન ક્રિકેટ ટીમના ઓફિસિયલ એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.(સૌજન્ય-ઈન્સ્ટાગ્રામ - ઇન્ડિયન ક્રિકેટ ટીમ)