નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા ત્રીજી વખત વર્લ્ડકપ જીતવાથી બે ડગલા દૂર છે. જો ભારત આ વર્લ્ડકપ જીતે તો બીજી સૌથી વધારે વર્લ્ડકપ જીતનારી ટીમ બની જશે. આ પહેલા માત્ર ઓસ્ટ્રેલિયાએ પાંચ વખત વર્લ્ડકપ ખિતાબ પોતાના નામે કર્યો છે.

આ વર્લ્ડકપમાં રોહિત શર્માએ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે આ વર્લ્ડકપમાં 5 સદી સાથે 600થી વધારે રન બનાવ્યા છે. શું તમે જાણો છો કે રોહિત શર્મા આ વર્લ્ડ કપમાં આટલી ખતરનાક બેટિંગ કેમ કરી રહ્યો છે? રોહિત શર્માનાં બાળપણનાં કોચ દિનેશ લાડે આ મામલે મોટો ખુલાસો કર્યો છે.



તેણે કહ્યું કે, “રોહિત શર્મા આ વર્લ્ડ કપ એમએસ ધોની માટે જીતવા ઇચ્છે છે, કેમકે આ ધોનીનો છેલ્લો વર્લ્ડ કપ છે અને રોહિત શર્માને ધોનીએ જ ઑપનિંગમાં પ્રમોટ કર્યો હતો, ત્યારબાદ તે દુનિયાનો સૌથી આક્રમક ઑપનિંગ બેટ્સમેન તરીકે સામે આવ્યો.” દિનેશ લાડનું માનવું છે કે ધોનીને ગિફ્ટ આપવા માટે રોહિત આ વર્લ્ડ કપમાં સારી બેટિંગ કરી રહ્યો છે.

દિનેશ લાડે કહ્યું કે, “રોહિત શર્મા મેચ્યોરિટી સાથે રમી રહ્યો છે. તે જાણી ગયો છે કે 10-12 ઑવર સુધી તે આઉટ ના થયો તો તે મોટી ઇનિંગ રમી શકે છે. તે ઑપનિંગ બેટ્સમેન ઉપરાંત ટીમનો વાઇસ કેપ્ટન પણ છે. આ કારણે તે ઇચ્છે છે કે કોહલી સાથે તે વધુમાં વધુ ભાગેદારી કરે.”