નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019ની ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડ સામે જીત મેળવીને ઇતિહાસમાં પહેલીવાર વર્લ્ડકપ ખિતાબ જીત્યો હતો. જોકે ખાસ વાત એ રહી કે મેચ ના તો ઇંગ્લેન્ડ જીત્યુ, ના તો ન્યૂઝીલેન્ડ. મેચ ટાઇ રહી, મેચની સુપર ઓવર પણ ટાઇ રહી અને છેવટે બાઉન્ડ્રી કાઉન્ટ કરીને ઇંગ્લિશ ટીમને વર્લ્ડકપ વિનર જાહેર કરવામાં આવી હતી. હવે આઇસીસીના આ નિયમ પર ભારતના દિગ્ગજ ઓપનર રોહિત શર્માએ સવાલ ઉઠાવ્યો છે, એક ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ છે.
વર્લ્ડકપમાં હાઇએસ્ટ સ્કૉરર રહેલા રોહિત શર્માએ મેચ પુરી થયા બાદ અડધી રાત્રે ટ્વીટ કરીને આઇસીસીના નિયમ સામે નારાજગી વ્યક્ત કરી હતી.
રોહિતે લખ્યુ કે, ''ક્રિકેટની અંદર કેટલાક નિયમો પર ગંભીરતાથી ચર્ચા કરવાની જરૂર છે.'' માની શકાય છે કે, રોહિત શર્માનુ આ ટ્વીટ આઇસીસી પર સીધા સવાલો ઉભા કરે છે.