Sagar Dhankhar Murder: જૂનિયર રેસલરની હત્યાના આરોપી ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમારે દિલ્હીની તિહાડ જેલમાં આત્મસમર્પણ કર્યું છે. તેના પર જૂનિયર એથ્લેટ સાગર ધનખડની હત્યા અને હત્યાના પ્રયાસની સાથે રમખાણો અને ગુનાહિત કાવતરાનો આરોપ છે.


દિલ્હી પોલીસે ધનખડ હત્યા કેસમાં કોર્ટમાં 170 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં સુશીલ કુમારને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો. સુશીલ કુમાર જામીન પર બહાર હતો. આ દરમિયાન તેમના ઘૂંટણનું ઓપરેશન પણ થયું હતું.


2021માં કુસ્તીબાજ સાગરની હત્યા થઈ હતી


આરોપ છે કે સુશીલ કુમારે તેના સહયોગીઓ સાથે મળીને સંપત્તિ વિવાદમાં 4-5 મે 2021 ની વચ્ચેની રાત્રે દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમના પાર્કિંગમાં 23 વર્ષીય કુસ્તીબાજ સાગર ધનખડ, તેના મિત્ર સોનુ અને અન્ય ત્રણ લોકો પર હુમલો કર્યો હતો.  બાદમાં સાગર ધનખરનું મોત થયું હતું.


પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે સાગર અને તેના મિત્રોનું પહેલા દિલ્હીમાં બે અલગ અલગ જગ્યાએથી અપહરણ કરવામાં આવ્યું હતું, પછી છત્રસાલ સ્ટેડિયમમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.


તબીબી આધાર પર જામીન મળ્યા


દિલ્હીની રોહિણી કોર્ટે સુશીલ કુમારને 23 જુલાઈથી 30 જુલાઈ સુધીના એક સપ્તાહ માટે વચગાળાના જામીન આપ્યા હતા. સુશીલને ઘૂંટણની સર્જરી કરાવવા માટે તબીબી આધાર પર જામીન આપવામાં આવ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે સુશીલ કુમાર જામીન દરમિયાન સાક્ષીઓનો સંપર્ક કરશે નહીં.


અગાઉ 6 માર્ચે કોર્ટે સુશીલ કુમારને ચાર દિવસ માટે વચગાળાના જામીન આપ્યા હતા. પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે તેને જામીન આપવામાં આવ્યા હતા. સુશીલ જૂન 2021થી ન્યાયિક કસ્ટડીમાં છે.


કોર્ટમાં તપાસ અધિકારીઓ કહ્યું હતું કે, સુશીલે જણાવ્યુ કે સંપતિ વિવાદનો મામલો છે. પરંતુ વીડિયોમાં બધુ સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે કે શું થઇ રહ્યું છે. પહેલા સુશીલે કહ્યું કે ફ્લેટ ખાલી કરાવવાને લઇને ઝઘડો થયો હતો. જેનુ ભાડુ 25 હજાર હતુ. પરંતુ આટલો મોટા ખેલાડીએ આટલી ઓછી રકમ માટે પોતાની કેરિયર કેમ દાંવ પર લગાવી. દેશે તેને માથે બેસાડ્યો અને તેને આ શું કર્યુ. તેને આ કૃત્ય માટે સમાજને જવાબ આપવો પડશે. તેની પાસેથી કંઇપણ કઢાવવુ આસાન નથી.