India vs West Indies 5th T20I: વેસ્ટ ઈન્ડિઝની ટીમે ભારત સામેની 5 મેચની ટી-20 સીરિઝની છેલ્લી મેચ આઠ વિકેટથી જીતી લીધી. આ જીત સાથે વેસ્ટ ઇન્ડિઝે સીરિઝ 3-2થી જીતી લીધી હતી. પાંચમી ટી-20 મેચમાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝ ટીમને 166 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને તેણે 18 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ટીમ તરફથી બ્રેન્ડન કિંગે અણનમ 85 રન બનાવ્યા હતા. નિકોલસ પૂરને 47 રનની ઇનિંગ રમી હતી.






કિંગ અને પૂરને ઝડપી રન બનાવ્યા


166 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમની શરૂઆત સારી રહી ન હતી. ટીમે પોતાની પ્રથમ વિકેટ માત્ર 12 રનના સ્કોર પર કાઈલ મેયર્સના રૂપમાં ગુમાવી હતી. આ પછી બેટિંગ કરવા ઉતરેલા નિકોલસ પૂરને છેલ્લી 2 ઇનિંગ્સની નિષ્ફળતાને ભૂલીને સકારાત્મક બેટિંગ શરૂ કરી હતી.






પૂરને અર્શદીપ સિંહની પ્રથમ ઓવરમાં સિક્સર ફટકારી હતી, જ્યારે તે પછી હાર્દિક પંડ્યાની ઓવરમાં સતત 2 સિક્સ ફટકારીને ઝડપી રન બનાવવાની શરૂઆત કરી હતી. પૂરન અને કિંગે સાથે મળીને પ્રથમ 6 ઓવરમાં 1 વિકેટ ગુમાવી ટીમનો સ્કોર 61 સુધી પહોંચાડ્યો હતો.


અહીંથી બંનેએ ઝડપી રન બનાવવાની શરૂઆત કરી હતી અને મેચમાં એકતરફી જીત મેળવી હતી. ખરાબ હવામાનને કારણે જ્યારે મેચ 12.3 ઓવર પછી રોકવામાં આવી ત્યારે વેસ્ટ ઇન્ડિઝ ટીમનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 117 રન હતો. આ પછી રમતની શરૂઆત સાથે વેસ્ટ ઇન્ડિઝે પૂરનના રૂપમાં વધુ એક ઝટકો લાગ્યો હતો. પૂરન 47 રન બનાવી આઉટ થયો હતો.


વેસ્ટ ઈન્ડિઝે શ્રેણી જીતી


નિકોલસ પૂરન પેવેલિયન પરત ફર્યા બાદ શાઈ હોપ બેટિંગ કરવા આવ્યો હતો. આ મેચમાં ટીમને 18 ઓવરમાં લક્ષ્ય સુધી પહોંચાડી દીધી હતી. કિંગે 85 રનની અણનમ ઇનિંગ રમી હતી જ્યારે હોપે પણ 22 રન બનાવ્યા હતા. ભારત તરફથી બોલિંગમાં અર્શદીપ સિંહ અને તિલક વર્માને 1-1 વિકેટ મળી હતી.


સૂર્યકુમાર યાદવે અડધી સદી ફટકારી હતી


જો આ મેચમાં ભારતીય ટીમની ઇનિંગની વાત કરીએ તો તેમાં સૂર્યકુમાર યાદવની 61 રનની શાનદાર ઇનિંગ જોવા મળી હતી. યશસ્વી જયસ્વાલ પાંચ અને શુભમન ગિલ 9 રન બનાવી આઉટ થયા હતા. તિલક વર્માએ 27 રનની ઇનિંગ રમી હતી. કેપ્ટન હાર્દિક પંડ્યા 14 અને સંજુ સેમસન માત્ર 13 રન જ બનાવી શક્યા હતા. વેસ્ટ ઇન્ડિઝ તરફથી રોમારિયો શેફર્ડે 4 જ્યારે જેસન હોલ્ડર અને અકીલ હુસૈને 2-2 વિકેટ ઝડપી હતી