નવી દિલ્હીઃ ભારતની દિગ્ગજ ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ બે વર્ષ બાદ વાપસી કરતા હોબાર્ટ ઇન્ટરનેશનલ ટુનામેન્ટનું મહિલા ડબલ્સ ટાઇટલ જીતી લીધું છે. 33 વર્ષની સાનિયાએ આખી ટુનામેન્ટ દરમિયાન પોતાની યુક્રેની સાથી નાદિયા કિચેનોક સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ સાનિયા મિર્ઝાનું 42મું ડબલ્યૂટીએ ટાઇટલ છે. જ્યારે  માતા બન્યા બાદનું આ પ્રથમ ટાઇટલ છે.


શનિવારે ફાઇનલ મેચમાં ઇન્ડો-યુક્રેની જોડીએ બીજા નંબરની  જોડી ઝાંગ શુઇ અને પેંગ શુઇની ચીની જોડીએ 6-4,6-4થી હાર આપી હતી. આ મેચ એક કલાક 22 મિનિટ સુધી ચાલી હતી. સાનિયા-નાદિયાની  જોડીએ સ્લોવેનિયાઇ-ચેક જોડી તમારા જિદાનસેક અને મેરી બુઝકોવાને 7-6,6-2થી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.

સાનિયાએ બે વર્ષ બાદ ટેનિસ કોર્ટમાં વાપસી કરી ટાઇટલ જીત્યું હતું. હોબાર્ટ ઇન્ટરનેશન ટુનામેન્ટ અગાઉ સાનિયાએ છેલ્લે ઓક્ટોબર 2017માં ચાઇના ઓપનમાં રમી હતી. ટેનિસથી બે વર્ષ સુધી દૂર રહેતા સમયે માતા બનવા માટે બ્રેક લીધા અગાઉ તે ઇજાથી પરેશાન હતી.