નવી દિલ્હીઃ સરફરાઝ ખાન, મુંબઈના આ 22 વર્ષના બેટ્સમેને પોતાની ધમાકેદાર બેટિંગથી બદાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. સરફરાઝ ખાન રણજી ટ્રોફીમાં હાલમાં શાનદાર બેટિંગ કરી રહ્યો છે અને તેણે પોતાની બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. સ્થિતિ એ છે કે, બે મેચમાં અણનમ રહેલ સરફરાઝ ખાને 605 રન બનાવ્યા બાદ સૌરાષ્ટ્ર વિરૂદ્ધ આઉટ થયો.


રણજી ટ્રોફી ટૂર્નામેન્ટમાં મુંબઈ અને સૌરાષ્ટ્રની વચ્ચે રમાઈ રહેલ મેચની પ્રથમ ઇનિંગમાં મુંબઈના બેટ્સમેન સરફરાઝ ખાન 78 રન બનાવીને આઉટ થયો. આ મેચની પ્રથમ ઇનિંગમાં તેણે 126 બોલનો સામનો કરતા નવ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. આ મેચ પહેલા એટલે કે છેલ્લા બે મેચમાં તે અણનમ રહ્યો હતો. હવે છેલ્લા બે મેચના રન અને આ મેચની પ્રથમ ઇનિંગના રન જોડવામાં આવે તો તેણે પોતાની વિકેટ  605 રન બનાવીને ગુમાવી છે.



આઉટ થયા વગર સૌથી વધારે રનનો વર્લ્ડ રેકોર્ડ અન્ય એક ભારતીય બેટ્સમેન કેસી ઇબ્રાહીમના નામે છે. જેણે 1947-48માં આઉટ થયા વગર 709 રન બનાવ્યા હતા. આ યાદીમાં બીજા ક્રમે ગ્રેમ હીક છે, જેણે 645 રન બનાવ્યા હતા.

આ પહેલા સરફરાઝ ખાન ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનાર સાતમો બેટ્સમેન બન્યો હતો. આ પહેલા સરફરાઝ તામિલનાડુના ડબલ્યુ વી રમન પછી બીજો ભારતીય બન્યો જેણે બેવડી સદી પછી ત્રેવડી સદી ફટકારી હતી. રમને 1989માં 313 અને અણનમ 200 રન બનાવ્યા હતા.



સરફરાઝ ખાને 2016માં 10 બોલમાં 35 રન બનાવી પ્રશંસા મેળવી હતી. જોકે કેપ્ટન વિરાટ કોહલીએ આગામી ત્રણ મેચ માટે તેને ટીમમાંથી બહાર કરી દીધો હતો. જ્યારે આ વિશે પુછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે સરફરાઝની મેદાન પરની ફિટનેસ જોતા આ નિર્ણય કરવામાં આવ્યો છે.