નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (બીસીસીઆઈ)ને ફટકાર લગાવતા ચેતવણી આપી છે કે, તે ખુદ સીધા થઈ જાય બાકી કોર્ટને આદેશ દ્વારા તેમને સીધા કરવા પડશે. ચીફ જસ્ટીસ ટીએસ ઠાકુરે કહ્યું કે, બીસીસીઆઈ ખુદને કાયદાથી ઉપર ન સમજે અને તેમણે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવું જ પડશે.

ઉલ્લેખનીય છે કે, બુધવારે જસ્ટિસ આરએમ લોઢા પેનલે સુપ્રીમમાં અહેવાલ રજૂ કર્યો હતો કે બીસીસીઆઈ સુધારા માટે કરવામાં આવેલ ભલામણોને નથી અનુસરી રહી. માટે તાત્કાલીક ધોરણે તેના પર સુનાવણી થવી જોઈએ. આ અહેવાલ બાદ સુપ્રીમ કોર્ટે નારાજગી દર્શાવી બીસીસીઆઈને ફટાકર લગાવી હતી. પેનલે એ પણ કહ્યું કે, બીસીસીઆઈના ટોચના અધિકારીઓને હટાવવામાં આવે અને ક્રિકેટ સંચાલકોનું નિમણૂક કરવામાં આવે. તથા સુપ્રીમ કોર્ટેના 18 જુલાઈના આદેશ બાદ બીસીસીઆઈએ જે નિર્ણય કર્યા છે તે તમામ ભલામણની વિરૂદ્ધમાં લેવામાં આવ્યા છે, તેને તાત્કાલીક અસરથી રદ્દ કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈને જવાબ આપવા માટે 6 ઓક્ટોર સુધીનો સમય આપ્યો છે અને એ જ દિવસે આ અંગે આગળની સુનાવણી થશે.