મેલબોર્નઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આઈસીસી વુમન્સ ટી 20 વર્લ્ડકપ 2020ની સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ગુરુવારે ન્યૂઝિલેન્ડ સામે ભારતનો 4 રનથી રોમાંચક વિજય થયો હતો. ભારતની આ જીતમાં 16 વર્ષની શેફાલી વર્માનું મહત્વનું યોગદાન હતું. આ સાથે તેણે પોતાનો નામે એક ખાસ રોકર્ડ પણ નોંધાવી દીધો છે.

શેફાલી વર્માએ ન્યૂઝિલેન્ડ સામેની મેચમાં 34 બોલમાં 46 રન બનાવ્યા હતા. જેમાં 3 સિક્સ અને 4 ફોર સામેલ છે. સ્ટાર બેટ્સમેન શેફાલી વર્મા સતત બીજી વખત  ‘પ્લેયર ઓફ ધ મેચ’ રહી છે. તેણે બાંગ્લાદેશ વિરુદ્ધ ગત મેચમાં આક્રમક બેટિંગ કરતા 17 બોલમાં 39 રન બનાવ્યા હતા.


શેફાલી વર્માએ પોતાના કેરિયર સ્ટ્રાઈક રેટ મામલે મહિલા ટી-20 ઈન્ટરનેશનલમાં રેકોર્ડ બનાવી દીધો છે. મહિલા ટી-20માં ઓછામાં ઓછા 200 રન બનાવી ચૂકેલા ક્રિકેટર્સની વાત કરીઓ તો, શેફાલીએ અત્યાર સુધી 147.97ના સ્ટ્રાઈક રેટ સાથે 438 રન બનાવ્યા છે. સ્ટ્રાઈક રેટ મામલે શેફાલી ટોપ પર છે. મહિલા ટી20 ઈન્ટરનેશલમાં પોતાના કેરિયરમાં કોઈ પણ બેટ્સમેને 200થી વધુ રન આટલી ઝડપી નથી બનાવ્યા.

શેફાલી વર્માના ટૉપ સ્ટ્રાઈક રેટ બાદ સાઉથ આફ્રિકાની ચોલે ટ્રિયોનનો નંબર આવે છે. જેમણે 138.31 સ્ટ્રાઈક રેટ સાથે 722 રન બનાવ્યા છે. ત્રીજા નંબરે ઓસ્ટ્રેલિયાની એલિસા હીલી છે. તેણે 129.66 સ્ટ્રાઈક રેટ સાથે 1,875 રન બનાવ્યા છે.