મુંબઈઃ ભારત અને પાકિસ્તાન મેચનો રોમાંચ અનેરો હોય છે. આ મેચમાં ક્રિકેટરો પર પણ ભારે દબાણ હો છે. આ વાતની કબૂલાત પાકિસ્તાનનાં પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ પોતાની આત્મકથા ‘ગેમ ચેન્જર’માં કરી છે.  શાહિદ આફ્રિદીએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે ભારત સામે રમતી વખતે મારા હાથ ધ્રૂજતા હતા.



આફ્રિદીએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે,  મને  સ્પષ્ટ યાદ છે કે ચેન્નઈમાં ભારત સામેની મેચમાં   હું સઈદ અનવર સાથે ઑપનિંગ કરવા ઉતર્યો હતો. હજારો પ્રેક્ષકો જોર-જોરથી અવાજ કરી રહ્યા હતા ને મેં મારી જીંદગીમાં પહેલી વાર આટલો અવાજ સાંભળ્યો હતો.



આફ્રિદીના કહેવા પ્રમાણે, એ વખતે મને એવું લાગતું હતુ કે જાણે ધરતી હલી રહી છે. હું કસમ ખાઈને કહી રહ્યો છું કે,  મને લાગી રહ્યું હતુ કે જાણે મારા હાથમાં બેટ જ નથી. મેચ શરૂ થઈ ત્યારે મને બોલ જ દેખાતો નહોતો. હું ડરી ગયો હતો.  પહેલો બૉલ ઑફ સાઇડ પર હતો ને મને દેખાયો જ નહોતો.



આફ્રિદીએ લખ્યું છે કે,  હું ફક્ત 9 મિનિટ ક્રીઝ પર રહ્યો અને 6 બૉલમાં 5 રન બનાવી શક્યો. હું પાછો ફરતો હતો ત્યારે મારું માથું ભમતું હતું ને હૃદય કાંપી રહ્યું હતુ. પેપ્સી ઇન્ડિપેંડન્સ કપની આ મેચમાં પાકિસ્તાનનાં સઈદ અનવરે 194 રન બનાવ્યા હતા. આ મેચમાં ભારતનો 35 રન પરાજય થયો હતો.