નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝના ઓપનર બેટ્સમેન શાઇ હોપે એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. મંગળવારે ટ્રાઇસીરિઝમાં બાંગ્લાદેશ સામે 109 રનોની ઇનિંગ રમનારા હોપે સતત ચોથી વાર ઓપનિંગ કરતાં સદી ફટકારી છે. વનડે ક્રિકેટમાં આવું કરનારો દુનિયાનો પહેલો બેટ્સમેન બની ગયો છે.

આ મેચ પહેલા તેને આયરલેન્ડ વિરુદ્ધ 170 રનોની ઇનિંગ રમી હતી, વળી ગયા વર્ષે 2018માં બાંગ્લાદેશ વિરુદ્ધ ત્રણ વનડે મેચોની સીરીઝની છેલ્લી બે મેચોમાં પણ સદીઓ ફટકારી હતી.



શાઇ હોપે ઓપનર તરીકે માત્ર છ મેચો જ રમી છે, જેમાં તેને 164.25ની એવરેજથી 657 રન બનાવ્યા છે. શરૂઆતી બે મેચમાં તેને અડધી સદી બનાવી હતી, ત્યારબાદ ચારેય મેચોમાં તેને સદીઓ ફટકારી છે. આયરલેન્ડ, બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે ચાલી રહેલી ટ્રાઇ સીરીઝની પહેલી મેચમાં પણ તેને રેકોર્ડ તોડ બેટિંગ કરતાં જૉન કેમ્પબેલ (179)ની સાથે વેસ્ટ ઇન્ડિઝ માટે ઓપનિંગ કરતાં 365 રનોની ભાગીદારી કરીને વનડે ક્રિકેટમાં વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો હતો.