નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા માટે ટી20 ફોર્મેટમાં પોતાનું સ્થાન પાક્કું કરવાની તક શોધી રહેલ સંજૂ સેમસનને હજુ સુધી તેની કૂશળતા સાબિત કરવાની તક નથી મળી. તેનાથી કોંગ્રેસ નેતા અને તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂર પણ નારાજ છે. તિરુવનંતપુરમમાં વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ રમાયેલ બીજી ટી20 મેચમાં જ્યારે સંજૂને તક ન ળી તો થરૂરે ટ્વિટ પર અફસોસ વ્યક્ત કર્યો. તિરુવનંતપુરમનું મેદાન સંજૂ સેમસનનું હોમ ગ્રાઉન્ડ પણ છે.

થરૂરે ઘણી વખત સંજૂ માટે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે. તેમનું માનવું છે કે, સંજૂને ઘરેલુ ફેન્સની સામે રમવાની તક આપવી જોઈતી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું, ‘આપણાંથી મોટાભાગનાને આશા હતી કે ભારતીય ટીમ કોઈ એક ખેલાડીને આરામ આપીને સંજૂ સેમસનને પોતાના ઘરેલુ ફેન્સની સામે રમવાની તક આપશે. આપણે તેને ડેરિંગ ડૂ માટે પ્રેરિત કરવા પડશે.’


ભારતે આ મેચમાં પ્રથમ બેટિંગ કરતાં 170 રન બનાવ્યા હતા અને હારનો સામનો કરવો પડ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝના શાનદાર રમત રમતાં મેચ 8 વિકેટે જીતી લીધી હતી. ઋષભ પંતે ભારત માટે વિકેટકીપિંગ કરી અને તેણે સરળ કેચ પણ છોડ્યો. પંત સતત આવી ભૂલો કરી રહ્યો છે.

તેમ છતાં સંજૂ સેમસનને રમવાની તક આપવામાં ન આવી. 2015માં ડેબ્યૂ કરનાર સેમસનને બાંગ્લાદેશ વિરૂદ્ધ સીરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. સીરીઝમાં તેને રમવાની તક ન મળી, તેને ડ્રોપ કરવામાં આવ્યો. શિખર ધવન ઈજાગ્રસ્ત થવા છતાં તેને વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ સીરીઝમાં સ્થાન મળ્યું ન હતું.