એશિયા કપમાં શાનદાર બેટિંગ કરનારા આ ભારતીય બેટ્સમેનની ટેસ્ટ ટીમમાં નહીં થાય પસંદગી, જાણો કોને મળી શકે છે તક
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ઓપનરો એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. રોહિત શર્મા અને શિખર ધવનની જોડી ધમાલ મચાવી રહી છે. રોહિત શર્માની ટેસ્ટ ટીમમાં પસંદગી થતી નથી જ્યારે શિખર ધવન ઈંગ્લેન્ડ પ્રવાસમાં ખાસ કમાલ દર્શાવી શક્યો નહોતો. આ કારણે પસંદગીકારો તેને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર કરી શકે છે.
ધ ઈન્ડિયન એક્સપ્રેસને પસંદગી સમિતિના સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં પસંદગી નહીં કરવામાં આવે. કર્ણાટકના ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલને ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવી શકે છે.
ધવનની ગેર હાજરીમાં કેએલ રાહુલ સાથે ઓપનિંગમાં આવવા માટે પૃથ્વી શો રેસમાં સૌથી આગળ છે. ઉપરાંત મુરલી વિજયનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવી શકે છે. પસંદગીકારો મુરલી વિજય અને રોહિત શર્માને લઈ શું ફેંસલો કરે છે તેના પર સૌની નજર રહેશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ હાલ ઈશાંત શર્મા અને રવિચંદ્રન અશ્વિનના ફિટનેસ રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે. અશ્વિનને ઈંગ્લેન્ડમાં ત્રીજી ટેસ્ટ દરમિયાન ઈજા થઈ હતી. જ્યારે ઈશાંતને પાંચમી ટેસ્ટ દરમિયાન ઈજા થઈ હતી.
વેસ્ટઈન્ડિઝ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ટીમ પસંદ કરવા પસંદગીકારોની બુધવારે બેઠક મળવાની હતી, પરંતુ કોઈ કારણોસર બેઠક ટાળી દેવામાં આવી હતી.