ભારત માટે ખરાબ સમાચાર આ સ્ટાર બેટ્સમેન ત્રણ અઠવાડિયા સુધી નહીં રમી શકે
abpasmita.in | 11 Jun 2019 01:42 PM (IST)
ધવનની ઇજાના કારણે ઓપનિંગમાં કે એલ રાહુલ આવી શકે છે, અને નંબર ચારની પૉઝિશન માટે દિનેશ કાર્તિકને ચાન્સ મળી શકે છે
નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019માં બીજી જ મેચમાં સદી ફટકારનારો બેટ્સમેન શિખર ધવન હવે આગામી મેચોમાં નહીં રમી શકે. ટીમ ઇન્ડિયાને ટૂર્નામેન્ટમાં મોટી આશાઓ હતી, જોકે હવે વિસ્ફોટક બેટ્સમેન ગબ્બરની ગેરહાજરીથી નુકશાન પહોંચી શકે છે. શિખર ધવનને ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં અંગૂઠા પર ઇજા થતાં ત્રણ અઠવાડિયા માટે ટીમ ઇન્ડિયામાંથી બહાર કરાયો છે. ધવન ત્રણ વીક સુધી નહીં રમી શકે. એટલે કે 13 જૂને ન્યૂઝીલેન્ડ અને 16 જૂને પાકિસ્તાન સામે રમાનારી બે મોટી મેચો પહેલો ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે દમદાર 109 બૉલમાં 117 રનની ઇનિંગ રમનારા શિખર ધવનને બેટિંગ દરમિયાન અંગૂઠા પર બૉલ વાગતા ઇજા થઇ હતી, જેના કારણે મેચ દરમિયાન ફિલ્ડીંગમાં પણ ન હતો આવી શક્યો. ધવનને નાથન કુલ્ટર નાઇલનો એક બૉલ વાગતા હાથના અંગૂઠા પર ઇજા થઇ હતી, જેના કારણે તે ફિલ્ડીંગ ન હતી કરી શક્યો. ફિઝીયો પેટ્રિક ફરહાર્ટે કહ્યું કે, હાલ ઇજા ગંભીર નથી, પણ ફિલ્ડીંગમાં આવવુ શક્ય નથી. આ કારણે ધવનની જગ્યાએ રવિન્દ્ર જાડેજા ફિલ્ડીંગ કરવા મેદાને ઉતર્યો હતો. ધવનની ઇજાના કારણે ઓપનિંગમાં કે એલ રાહુલ આવી શકે છે, અને નંબર ચારની પૉઝિશન માટે દિનેશ કાર્તિકને ચાન્સ મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, જો ટીમ ઇન્ડિયા ટૂર્નામેન્ટમાં ફાઇનલ સુધી પહોંચે છે તો શિખર ધવનને છેલ્લી ચાર મેચો, એટલે કે બાંગ્લાદેશ, શ્રીલંકા, સેમિ ફાઇનલ અને ફાઇનલ રમવા મળી શકે છે.