નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ભવિષ્યને લઈને બેટ્સમેન સુરેશ રૈનાએ પોતાનો મત વ્યક્ત કર્યો છે. ઘુંટણની ઇજાને કારણે સુરેશ રૈના છેલ્લા વર્ષે આઈપીએલ બાદથી જ ક્રિકેટથી  દૂર છે. પરંતુ માર્ચમાં શરૂ થનાર આઈપીએલમાં રૈના ફિટ જોવા મળી રહ્યો છે.


મહેન્દ્ર સિંહ ધોની ભલે ટીમ ઇન્ડિયામાંથી બહાર ચાલી રહ્યા હોય પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સ તેને છોડવા નથી માગતી. હાલમાં જ સીએસકેના માલિક એન શ્રીનિવાસને કહ્યું હતું કે, ધોની આઈપીએલ 2021માં પણ ચેન્નઈ તરફથી જ રમશે. 2021ની આઈપીએલની હરાજીમાં ચેન્નઈ સુપર કિંગ્સ ધોનીને રિટેન કરશે. જ્યારે હવે સીએસકેના સીનિયર ખેલાડી સુરેશ રૈનાએ આઈપીએલની આગામી સીઝન માટે ધોનીની ટ્રેનિંગ પ્લાનિંગ વિશે ખુલાસો કર્યો છે.



એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં રૈનાએ કહ્યું હતું કે ભારતીય ટીમને હજુ તેની જરુર છે પણ જોવું પડશે કે વિરાટ કોહલી તેના વિશે શું નિર્ણય કરે છે. ઉલ્લેખનીય છે કે ધોની ઘણા મહિનાથી ભારતીય ક્રિકેટ ટીમ સાથે નથી. ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે ધોની હજુ પણ ટી-20 વર્લ્ડ કપ રમી શકે છે.

રૈનાએ કહ્યું હતું કે ધોની સંભવત માર્ચના પ્રથમ સપ્તાહમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની તૈયારી માટે ચેન્નાઈ આવશે. હાલ તેને પરિવાર સાથે સમય પસાર કરતા જોઈને સારું લાગે છે. હું તેને રમતો જોવા માંગું છું. તે ફિટ જોવા મળી રહ્યો છે અને સખત મહેનત કરી રહ્યો છે. મને હજુ પણ લાગે છે કે ભારતીય ટીમને તેની જરુર છે પણ તે વિરાટનો નિર્ણય હશે કે આગળ શું થાય છે.

રૈનાએ કહ્યું હતું કે હજુ તેનામાં ઘણું ક્રિકેટ બાકી છે પણ તે આ વિશે વધારે વિચાર કરી રહ્યો નથી. મેં હજુ સુધી કોઈ લક્ષ્ય નક્કી કર્યો નથી. જો હું આઈપીએલમાં સારું કરીશ તો આ વિશે વિચાર કરીશ કે હું કઈ તરફ આગળ વધી રહ્યો છું. ટી-20 વર્લ્ડ કપમાં મારી આશા આઈપીએલનાં પ્રદર્શન પર ટકેલી છે.