નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાનારી ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડે 15 ખેલાડીઓની ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં કેએલ રાહુલની જગ્યાએ 20 વર્ષીય યુવા બેટ્સમેન શુભમન ગિલને તક આપવામાં આવી છે. શુભમન ગિલને સતત સારા પ્રદર્શનનું ઇનામ મળ્યું છે. ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ બીજી ઓક્ટોબર અને બીજી ટેસ્ટ 10 તારીખે અને ત્રીજી 19 ઓક્ટોબરે રમાશે.


ગિલે હાલમાં ઈન્ડિયા-એ ટીમના કેપ્ટન તરીકે દક્ષિણ આફ્રિકા-એ સામે અનઓફિશિયલ ટેસ્ટ મેચમાં જીત અપાવી હતી. આ મેચમાં ગિલે 90 રન બનાવ્યા હતા. જો કે બીજી ઇનિંગમાં માત્ર પાંચ રન જ બનાવી શક્યો હતો.

ગિલ ભારત માટે વનડે ઈન્ટરનેનશલ રમી ચુક્યો છે. તેણે આ વર્ષે જ ન્યૂઝીલેન્ડમાં વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધી તેણે બે વનડે ઇન્ટરનેશનલ મેચોમાં માત્ર 16 રન બનાવ્યા છે.



પંજાબના ફાજિલ્કામાં જન્મેલા શુભમન ગિલે પંજાબ તરફથી અત્યાર સુધી 14 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 72.15ની શાનદાર એવરેજથી 1443 રન બનાવ્યા છે. જેમાં તેણે 4 સદી અને 8 અડધી સદી ફટકારી છે.

સાઉથ આફ્રિકા સામે ભારતીય ટેસ્ટ ટીમ જાહેર, રાહુલના સ્થાને શુભમન ગિલને તક

કોલકત્તા નાઈટ રાઈડર્સમાં ગિલના કેપ્ટન રહી ચુકેલા દિનેશ કાર્તિક સિવાય યુવરાજ સિંહે આ બેટ્સમેનની પ્રશંસા કરતા ભારત માટે લાંબા કેરિયરની ભવિષ્યવાણી કરી ચુક્યા છે. ગત વર્ષે ન્યૂઝીલેન્ડમાં અંડર 19 વર્લ્ડ કપમાં ભારતની જીત દરમિયાન ગિલને ટૂર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેર કર્યો હતો.