નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે વનડે સીરીઝની ત્રીજી મેચ એન્ટીગુઆમાં રમાઇ, આ મેચમાં એક અનોખો રેકોર્ડ બન્યો, આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ યજમાન ટીમ વિન્ડીઝને 8 વિકેટે હરાવી. જોકે, મેચમાં ઓસ્ટ્રેલિયન બૉલર મેગન શટે હેટ્રિક લઇને વર્લ્ડ રેકોર્ડ સર્જી દીધો હતો.

આ મેચમાં યજમાન ટીમે પહેલા બેટિંગ કરતાં નિર્ધારિત 50 ઓવરોમાં 180 રન બનાવ્યા, આ દરમિયાન ઓસ્ટ્રેલિયાની બૉલર મેગન શટે વનડે ક્રિકેટમાં ઇતિહાસ રચી દીધો. ખરેખર, મેગને 50મી છેલ્લી ઓવરમાં છેલ્લા 3 બૉલ પર હેટ્રિક લીધી, આ સાથે જ મેગન શટે એવું કારનામુ કરી નાંખ્યુ જે ક્રિકેટ ઇતિહાસમાં આજ સુધી કોઇ નથી કરી શક્યુ.



મેગન શટ છેલ્લી ઓવરમાં ચોથા બૉલે ચિનલે હેનરી, પાંચમા બૉલે કરિશ્મા રામહાર્ક અને છેલ્લા બૉલ પર અફી ફ્લેચરને પેવેલિયન ભેગા કર્યા હતા. મેગને આ મેચમાં 10 ઓવરમાં 24 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.


આ સાથે જ મેગન ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 2 હેટ્રિક લેનારી દુનિયાની પહેલી બૉલર બની ગઇ છે. આ પહેલા તેને માર્ચ 2018માં ભારત વિરુદ્ધ ટી20 મેચમાં આ કારનામુ કર્યુ હતુ. એટલુ જ નહીં મેગન ઓસ્ટ્રેલિયા તરફથી વનડે ક્રિકેટમાં હેટ્રિક લેવા વાળી પહેલી મહિલા અને દુનિયાની 11મી બૉલર બની ગઇ છે.