દેશમાં કોરોના વાઈરસને કારણે સર્જાયેલી પરિસ્થિતિને પગલે સરકારે સાવચેતીના ત્વરિત પગલાં ભરવાનું શરૂ કર્યું છે. ત્યારે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 12મી માર્ચે શરૂ થઈ રહેલી ત્રણ વન-ડે શ્રેણીની મેચો બંધ સ્ટેડિયમમાં રમાડવામાં આવે તેવી શક્યતા એક મીડિયા રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવી છે.


ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે તારીખ 12થી 18 માર્ચ દરમિયાન ત્રણ વન-ડેની શ્રેણીનું આયોજન કરવાનું છે. ભારતીય ક્રિકેટ બોર્ડ અગાઉ જાહેરાત કરી ચૂક્યું છે કે, તેઓ કોરોનાવાઈરસના જોખમ અંગે સજાગ છે અને ખેલ મંત્રાલયના સંપર્કમાં પણ છે.

જોકે સાઉથ આફ્રિકા સામેની શ્રેણી માટે હજુ તેમણે કોઈ નક્કર નિર્ણય જાહેર કર્યો નથી. આરોગ્ય મંત્રાલયે શાળાઓને મોટી સભા ન યોજવા અને નાગરિકોને વધુ ભીડ હોય તેવા સ્થાન પર જવાનું ટાળવા માટે જણાવ્યું છે. આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટ બોર્ડ આગામી સમયમાં કેવા પ્રકારનો નિર્ણય લે છે તેના પર સૌથી નજર ટકેલી છે.

બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ અગાઉ જણાવ્યું હતું કે, કોરોનાથી આઈપીએલને કોઈ જોખમ નથી. અમારી મેડિકલ ટીમ સાવચેતીના તમામ પગલાં ભરશે.