નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કેગિસો રબાડાને ઈંગ્લેન્ડ વિરૂદ્ધ સીરીઝના નિર્ણાયક અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચમાં રમવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. રબાડા પર આઈસીસીની આચાર સંહિતાના ઉલ્લંઘનના આરોપમાં એક ટેસ્ટનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.


24 વર્ષના રબાડાએ એલિઝાબેથમાં ચાલી રહેલ ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટની વિકેટ લીધા બાદ જે રીતે ઉજવણી કરી તે આઈસીસી આચાર સંહિતાનું ઉલ્લંઘન હતું. રબાડા બોલિંગ કર્યા બાદ રૂટની નજીક ઉજવણી કરતા ભાગ્યો અને ત્યારે તે મુઠ્ટી બંધ કરીને જોરથી ચીસો પાડી રહ્યો હતો.


રબાડાએ એવી ભાષાનો ઉપયોગ કર્યો અને એવી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી જે નિયમોનું ઉલ્લંઘન કરતી હતી. 24 વર્ષીય રબાડાને એક ડિમેરિટ પોઇન્ટ આપવામાં આવ્યો છે પરંતુ છેલ્લા બે વર્ષમાં આ તેનો ચોથો ડિમેરિટ પોઇન્ટ છે જેના કારણે તેની ઉપર એક મેચનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટે તેને દોષિત માન્યો હતો અને રબાડાએ આ દંડનો સ્વીકાર પણ કર્યો હતો. તે વિશ્વનો ચોથા ક્રમનો બોલર હોવાના કારણે અંતિમ ટેસ્ટ પહેલાં સાઉથ આફ્રિકાને મોટો ફટકો પણ પડયો છે. ચોથી ટેસ્ટ આગામી શુક્રવારથી જોહાનિસબર્ગ ખાતે રમાશે.