નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રીકાની ટીમ હાલમાં ભારત પ્રવાસ પર છે. આફ્રિકા ક્વિન્ટન ડી કોકની કેપ્ટનશીપમાં ભારત સામે ત્રણ ટી20 મેચ અને ત્રણ ટેસ્ટ મેચ રમશે. જ્યારે બીજી બાજુ ટીમના ફાસ્ટ બોલર કાઈલ એબોટે ઇંગ્લેન્ડમાં પોતાની શાનદાર બોલિંગથી સનસની ફેલાવી દીધી છે.

તેમણે હૈંપશર માટે રમતા સમરસેટ વિરૂદ્ધ 18.4 ઓવરમાં 40 રન આપી 9 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. આ મેચ સાઉથૈંપ્ટનમાં રમાઇ હતી. એબોટનો પ્રથમ શિકાર ભારતીય બેટ્સમેન મુરલી વિજય બન્યો. વિજય આ મેચમાં ખાતુ ખોલાવ્યા વગર જ આઉટ થઇ ગયો. તેના પછી એબોટએ વિકેટકીપર બેટ્સમેન સ્ટીવન ડેવિસ (10)ને બોલ્ડ કરતા બીજી વિકેટ લીધી. તેનો ત્રીજો શિકાર બન્યો ટોમ એબેલ (20). એબેલ પણ બોલ્ડ થયો. એબોટના શિકાર થયેલા અન્ય બેટ્સમેનોમાં જેમ્સ હિલડ્રેથ (2), જોર્જ બાર્ટલેટ (9), લેવિસ ગ્રેગોરી (0), ક્રેગ ઓવરટન (4), ડોમિનિક બેસ (37) અને જોશ ડેવી (10)પણ એબોટનો શિકાર બન્યા.

આ મેચની અન્ય એક વિકેટ એડવર્ડસના નામે રહી. તેણે ટોમ બેટમને પેવેલિયન મોકલ્યો. એબોટની ઘાતક બોલિંગના કારણે સમરસેટ 48.4 ઓવરમાં તમામ વિકેટો ગુમાવી 142 રન બનાવી શક્યું. ત્યાં જ બીજા દિવસની રમત પૂર્ણ થતા હૈંપશરએ પોતાની બીજી ઇનિંગમાં 8 વકેટના નુક્સાને 176 રન બનાવી લીધા છે. પ્રથમ ઇનિંગના આધાર પર હૈંપશર પાસે 230 રનની લીડ છે.