નવી દિલ્હીઃ શ્રીલંકન બોલર અકિલા ધનંજયને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી 12 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડની સાથે હાલમાં જ ખત્મ થયેલ સીરીઝમાં ધનંજયની બોલિંગ એક્શન શંકાસ્પદ જણાઈ હતી. તેના કારણે ધનંજય સીરીઝની બીજી ટેસ્ટ રમી શક્યો ન હતો.


ન્યૂઝીલેન્ડ સામે 14થી 18 ઓગસ્ટ વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં હાજર રહેલા અધિકારીઓએ ધનંજયની એક્શનને શંકાસ્પદ ગણાવી હતી. 29 ઓગસ્ટે ચેન્નઈમાં તેની એક્શનની તપાસ થઈ જેમાં એ વાત સ્પષ્ટ થઈ કે ખેલાડીની એક્શન ખોટી છે.

ધનંજયને આ પહેલા ડિસેમ્બર 2018માં પણ પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો, પણ તેણે એક્શનમાં સુધારો કર્યો હતો અને ફેબ્રુઆરી 2019માં એક વાર ફરી તેને બોલીંગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ બીજી વખત થયુ જ્યારે તેની એક્શનને ખોટી જાહેર થઈ છે. જેના કારણે તેના પર 12 મહિનાનો પ્રતિબંધ લાગી ગયો છે. એક વર્ષ પછી ધનંજય તેની એક્શન તપાસ માટે ICCમાં અરજી કરી શકશે.

ICCએ પોતાના નિવેદનમાં જણાવ્યુ કે હાલના રિપોર્ટમાં ખેલાડીને ફરી એક વાર શંકાસ્પદ એક્શન કરતો જોવા મળ્યો છે. પહેલા તેના પર પ્રતિબંધ લાગ્યો હતો હવે ફરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગ પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે.

ધનંજય હવે એક વર્ષ પછી પ્રતિબંધ સમાપ્ત થાય પછી જ ICCમાં અરજી કરી શકશે અને ત્યાર પછી જ તેની બોલિંગ એક્શનની તપાસ કરવાનો અધિકાર મળશે.