નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથ હાલમાં વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં સામેલ છે. સ્મિથે જે રીતે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરી છે તે ખરેખર પ્રશંસનીય છે. બીજી તરફ વિરાટ કોહલી સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. એ સવાલ અનેકવાર ઉઠે છે કે આ બંન્નેમાંથી શ્રેષ્ઠ બેટ્સમેન કોણ છે? ક્રિકેટના જાણકારોમાં આ મામલે મતભેદ છે. કેટલાક વિરાટ કોહલીને શાનદાર માને છે તો કેટલાક જાણકારોના મતે સ્ટીવ સ્મિથ શ્રેષ્ઠ બેટ્સમેન છે. ઇગ્લેન્ડના પૂર્વ સ્પિનર મોન્ટી પાનેસરના મતે સ્ટીવ સ્મિથ વિરાટ કોહલી કરતા સારો બેટ્સમેન છે.
એક ઇન્ટરવ્યૂમાં પાનેસરે કહ્યું કે, ખાસ કરીને વન-ડે ક્રિકેટમાં વિરાટ કોહલી અલગ જોવા મળે છે. કોહલી કુલ મળીને એક વિશ્વ સ્તરીય બેટ્સમેન છે. વિરાટ દુનિયાનો શ્રેષ્ઠ બેટ્સમેન છે. સ્મિથ દુનિયાનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ બેટ્સમેન છે. સ્મિથના નામે જ્યાં ટેસ્ટ ક્રિકેટમાં 26 સદી છે જ્યારે કોહલીએ આ ફોરમેટમાં 25 સદી ફટકારી છે.
પાનેસરને લાગે છે કે કોહલી પાસે સચિનની 100 ઇન્ટરનેશનલ સદીનો રેકોર્ડ તોડવાની શાનદાર તક છે. તેણે કહ્યું કે, કોહલી પાસે સચિનની ટેસ્ટમાં લગાવેલી 51 સદીનો રેકોર્ડ તોડવાની તક છે. જે રીતે તે બેટિંગ કરી રહ્યો છે તે ટેસ્ટ અને વન-ડે એમ બંન્ને ફોરમેટમાં સચિનનો રેકોર્ડ તોડી શકે છે. તેની પાસે 100થી વધુ ઇન્ટરનેશનલ સદી લગાવવાની ક્ષમતા છે.