નવી દિલ્હી: આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમને મોટો ફટકો લાગ્યો છે. કોર્ટે ચિદમ્બરમની જ્યુડિશિયલ કસ્ટડી 3 ઓક્ટોબર સુધી વધારી દીધી છે. હવે તેમને 14 દિવસ વધારે તિહાડ જેલમાં રહેવું પડશે. તેમની જામીન અરજી પર 23 સપ્ટેમ્બરે હાઈકોર્ટમાં સુનાવણી થશે. ચિદમ્બરમ 5 સપ્ટેમ્બરથી તિહાડ જેલમાં છે.


વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે ન્યાયિક કસ્ટડીની સમય મર્યાદા વધારવાના સીબીઆઇના અનુરોધનો વિરોધ કર્યો હતો. સિબ્બલે કોર્ટમાં અનુરોધ કર્યો કે તેમના ક્લાયન્ટને ન્યાયિક કસ્ટડી દરમિયાન તિહાડ જેલમાં રહેતા સમય સમયે મેડિકલ તપાસ તથા યોગ્ય માત્રામાં ભોજન આપવામાં આવે.

ચિદમ્બરમ અને તેમના વકીલ એવું ઈચ્છતા હતા કે ઈડી તેમની કસ્ટડી માંગે. કારણકે જો એવું થાય તો ચિદમ્બરમને જેલમાં ન રહેવું પડે. તેમને ઈડી ઓફિસમાં રાખવામાં આવે. આ પહેલાં પણ ચિદમ્બરમ તરફથી ઈડી સામે સરન્ડર કરવાની અપીલ કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે ચિદમ્બરમની આ અરજી ફગાવી દીધી હતી. જ્યારે બીજી બાજુ અત્યાર સુધી ઈડી પણ ઘણી વાર કોર્ટમાં કહી ચૂકી છે કે તેમને ચિદમ્બરમની અટકાયતની જરૂર છે. પરંતુ યોગ્ય સમયે જ તેમની અટકાયત કરવામાં આવશે.