સ્ટીવ વોએ હોટ ફેવરીટ ઇંગ્લેન્ડને વર્લ્ડકપ 2019ની જીતની પ્રબળ દાવેદાર ગણાવી છે અને એ પણ કહ્યું કે, મેજબાન ટીમ માટે આ મેચ સરળ નહીં હોય કારણ કે ન્યૂઝીલેન્ડ સારું ક્રિકેટ રમી રહ્યું છે અને ટીમ આત્મવિશ્વાસની સાથે ફાઈનલમાં પહોંચી છે.
ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ બન્ને ટીમોએ વર્લ્ડકપમાં શાનદાર ક્રિકેટ રમી છે. જોકે લીગ સ્ટેજમાં બન્ને ટીમોનું પ્રદર્શન ઉતાર ચડાવવાળું રહ્યું, પરંતુ બન્નેએ નોકઆઉટ મેચમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બતાવતા પોતાના વિરોધીઓને પછાડ્યા હતા. ન્યૂઝીલેન્ડે ભારતને 12 રને હરાવીને ફેન્સને હેરાન કર્યા હતા. જ્યારે ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને આઠ વિકેટે હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે.
બન્ને ટીમ હજુ સુધી વર્લ્ડકપ જીતી શકી નથી. ઇંગ્લેન્ડની ટીમ પોતાનો વર્લ્ડકપની ચોથી ફાઈનલ રમી રહી છે અને ન્યૂઝીલેન્ડની ટીમ સતત બીજી વખત વર્લ્ડકપના ફાઈનલમાં છે. એવામાં બન્ને ટીમ વર્લ્ડકપ જીતવામાં કોઈ કસર નહીં છોડે. ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડમાંથી કોઈપણ જીતે, એટલું તો સ્પષ્ટ છે કે આ વખતે ક્રિકેટ ફેન્સને નવો વર્લ્ડ ચેમ્પિયન જોવા મળશે.