INDvAUS: ટેસ્ટ શ્રેણીના સમાપન સમારંભમાં ભારતના આ દિગ્ગજ બેટ્સમેનને નથી અપાયું આમંત્રણ ? જાણો શું છે મામલો
ગાવસ્કરને મે, 2018માં ઓસ્ટ્રેલિયન બોર્ડ તરફથી એવો ઈ-મેલ આવ્યો હતો કે, તેઓ નવા વર્ષે જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિરીઝ પુરી થશે ત્યારે સમાપન સમારંભમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી એનાયત કરવા હાજર રહી શકે તેમ છે કે નહિ. તે વખતે ઓસ્ટ્રેલિયન બોર્ડમાં સીઇઓ તરીકે જેમ્સ સધરલેન્ડ હતા. જોકે ત્યાર બાદ તેઓના 17 વર્ષના કાર્યકાળનો અંત આવ્યો હતો. જે પછી ઓસ્ટ્રેલિયન બોર્ડના નવા વહિવટદારોએ ગાવસ્કરને કોઈ ઈ-મેલ કર્યો નથી.
નવી દિલહીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલથી ચોથી અને અંતિમ ટેસ્ટનો આરંભ થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણીને બંને દેશના દિગ્ગજ બેટ્સમેનોના નામની સાથે જોડવામાં આવી છે અને એટલે જ તે 'બોર્ડર-ગાવસ્કર ટ્રોફી' તરીકે ઓળખાય છે. બોર્ડર અને ગાવસ્કર ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રન બનાવનારા પ્રથમ બે ક્રિકેટરો હતા. 1996થી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનું આયોજન થાય છે.
સામાન્ય રીતે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ સિરીઝના સમાપન સમારંભમાં ટ્રોફી એનાયત કરવા માટે ઓસ્ટ્રેલિયન લેજન્ડ એલન બોર્ડર અને ભારતના દિગ્ગજ બેટ્સમેન સુનિલ ગાવસ્કરને આમંત્રણ આપવામાં આવતું હોય છે. જોકે આ વખતે ગાવસ્કરને સમાપન સમારંભ માટે આમંત્રણ ન અપાયું હોવાનો ખુલાસો થયો છે.
ઓસ્ટ્રેલિયન બોર્ડના પ્રવક્તાએ દાવો કર્યો છે કે, તેમણે ત્યાર બાદ ગાવસ્કરને બે ઈ-મેલ કર્યા છે અને તેમના તરફથી કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી. જોકે ભારતના પૂર્વ બેટ્સમેન સુનિલ ગાવસ્કરે કહ્યું કે, મને સમાપન સમારંભમાં હાજર રહેવા અંગેનું કોઈ આમંત્રણ મળ્યું નથી અને એટલે હું ત્યાં જવાનો નથી.